Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજુભાઇએ જીવદયા ક્ષેત્રે કરૂણાભાવે સેવા આપી'તી

નાનપણથી જ સાહિત્ય-પ્રકૃતિ અને સંગીત માટે અભિરૂચી હતીઃ તેમના પરમમિત્રના અવસાન બાદ આઘાતમાં સરી પડયા હતા

રાજકોટઃ મીડિયા જગતમાં  માનભર્યું સ્થાન ધરાવતા રાજુભાઇ શાહનું દુઃખદ અવસાન થયું છે.   તેઓના જન્મ તા.૧૭/૭/૬૪ના રોજ થયેલ. વિરાણી સ્કુલ બાદ પીડીએમ કોલેજમાં અભ્યાસ બાદ સૌ પ્રથમ સાંજ સમાચારમાં કામગીરીની શરૂઆત કરી પોતાની કામગીરી દરમિયાન ગમે તેવા ચમર બંધીને  ન છોડી તટસ્થ પત્રકારીત્વ કર્યું હતુ.મીડિયા લાઇન તેમનું જીવન બની ગયેલ.

શેર બજાર જયારે ઓન-લાઇન નહોતુ ત્યારે ભાવની વધઘટ માટે શેર બજારને લગતા પેપરની શરૂઆત કરી. તા.૪/૧૧/૯૬ થી સાંધ્ય દૈનિક આજકાલ શરૂ કર્યું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર આસપાસ આજતક જેવા સાંધ્ય દૈનિકના તેઓ જન્મદાતા રહયા, છે. સાથે-સાથે ઇલેકટ્રીક મીડિયા  ન્યુઝ સાથે અગાઉ સંકળાયેલા હતા. વર્તમાન સમયમાં સોશ્યલ મીડીયાનું સૌથી પ્રથમ વોટસએપ અખબારની તેમણે શરૂઆત કરી હતી. સામાજીક કે પારીવારીક પ્રશ્ન લઇને નાનો કે મોટો ગમે તે માણસ રાજુભાઇ શાહ પાસે જાય તો તેના પ્રશ્નોનું હસ્તા મોઢે નિરાકરણ લઇને જતો. કાયદાકીય ક્ષેત્રે પણ તેઓની કોઠાસુઝથી નિરાકરણ લાવી આપતા તેમના પિતાશ્રી જયંતિભાઇ શાહ ૬૦ વર્ષ જેટલો સમય જીવદયાની પ્રવૃતિ પાછળ કાઢયો હતો. રાજકોટ પાંજરાપોળમાં પણ તેમનું યોગદાન આજે પણ લોકો યાદ કરે છે.

આ ગુણ રાજુભાઇને વારસામાં મળ્યા હતા. તેઓએ જીવદયા પાછળ કરૂણાભાવે સેવા આપી હતી. તેઓ વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા. મિત્રો-સગા સંબધીઓની કોઇપણ અપેક્ષા વગર સહાય કરતા હતા. કરેલ સહાયને તેઓ ભુલી જતા હતા તે તેમનો ઉમદા ગુણ હતો. ધાર્મીક રીતે તેમની ધર્મ ભાવના ઉંચી હતી.

સર્વધર્મ પ્રત્યે તેમને પ્રીતી હતી જૈન ધર્મ ઉપરાંત દ્વારકા સોમનાથમાં માનભર્યુ સ્થાન ધરાવતા તથા રામચંદ્ર ભગવાન ઉપર પણ ખુબ જ આસ્થા ધરાવતા હતા.

તેઓએ અમરનાથ, વૈષ્ણોદેવી તેમજ ગંગોત્રી યમનોત્રીની પણ યાત્રા કરી હતી.

પ્રકૃતિ અને પર્યાવરણ માટે તેમને ખુબ ચાહના હતી. તેથી જ  તેઓ રાજકોટથી ૧૫ કિ.મી. દુર કાળીપાટ ખાતે તેમનું ફાર્મ હાઉસ વિકસાવીને ત્યાં રહેેવા ગયા હતા.

રાજુભાઇના પરિવારના તેમના પત્નિ  કિંજલબેન બે પુત્રોમાં દિવ્યરાજ અને તેજરાજ. પુત્રવધુ આસ્થાબેન, તેમના ભાઇ નિલેશભાઇ બહેન સુરેખાબેનને વિલાપ કરતા છોડી ગયા છે.

તેમના એક મોટાબેન સ્વ. સુધાબેનનું અગાઉ અવસાન થયું હતુ. તેમના પરમ મિત્ર વિપુલભાઇ શાહનું ગત તા.૧૭/૬/૧૯ના રોજ અવસાન બાદ તેમને બહુ જ આઘાત લાગતા તેમની તબીયત ઉપર અસર પડી હતી.

  'અકિલા' પરિવારના વિજય વસાણીએ તેમના પાર્થીવ દેહ ઉપર પુષ્પાંજલી અર્પણ કરી અને શાલ ઓઢાડી રાજુભાઇ શાહના પરિવાર ઉપર આવી પડેલ દુઃખદમાં સહભાગી થયા હતા.

રાજુભાઇના દુઃખદ અવસાનથી મીડિયા જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. શ્રી દિવ્યેશભાઇ શાહ મો.૯૫૫૮૯ ૬૪૮૯૦

(4:27 pm IST)