Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

અફેઝિયા-મગજને નુકશાન થવાથી થતી બોલવાની તકલીફ

જુન મહિનાને અફેઝિયા- અવેરનેશ મન્થ

સમગ્ર વિશ્વ જૂન મહિનાને અફેઝિયા અવેરનેસ મન્થ તરીકે ઉજવે છે. ત્યારે આપણે જાણીએ કે આ અફેઝિયામાં બોલવાને લગતી કેવી તકલીફો થાય છે. અફેઝિયા વિશે જાણતા પહેલાએ જાણવું જરૂરી છે. કમ્યુનિકેશન ડિસોર્ડર એટલે શું?

કમ્યુનિકેશન ડિસોર્ડર એટલે કે એવી તકલીફ જેમાં વ્યકિત બીજા લોકો સાથે વ્યવસ્થિત રીતે વાતચીત  ન કરી શકે સરળ ભાષામાં જોવા જઇએ તો જયારે કોઇ પણ વ્યકિત બીજી વ્યકિતની વાત સમજી ન શકે અથવા તો તે વ્યકિત પોતાની વાત બીજી વ્યકિતને કોઇપણ કારણસર કહી ન શકે તો તેવી તકલીફોને કમ્યુનિકેશન ડિસોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. એફેઝિયા એક કમ્યુનિકેશન ડિસોર્ડર છે અફેઝિયા  થવાના ઘણા કારણો હોય છે જેમાંથી સ્ટ્રોક સૌથી મોટુ કારણ છે. એક અંદાજ પ્રમાણે એક લાખ લોકોમાં લગભગ ૩૦૦ થી ૪૦૦ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે જેમાંથી ર૧ થી ૩૮ ટકા લોકોને અફેઝિયા થતું જોવા મળે છે. આ ઉપરાંત માથામાં થયેલી કોઇ પણ ઇજા મગજની ગાંઠ તેમજ કોઇ ઇન્ફેકશનના કારણે પણ અફેઝિયા થઇ શકે છે.

અફેઝિયાના ઘણા પ્રકારો છે. પરંતુ સામાન્ય સમજણ માટે તેને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. રિસેપ્ટીવ અફેઝિયા તથા એકસપ્રેસીવ અફેઝિયા રિસેપ્ટીવ અફેઝિયા ધરાવતા લોકોને કોઇએ કહેલી વાત સમજવામાં તકલીફ પડે છે. અને એમને એવું લાગે છે. જાણે કે બીજા કોઇ અજાણી વિદેશી ભાષામાં વાત કરતા હોય ખાસ કરીને જયારે તેમની સાથે કોઇ લાંબા તથા જટિલ વાકયોમાં અથવા તો કોઇ ઘોઘાટવાળી જગ્યામાં  જયાં એક કરતા વધારે લોકો વાત કરતા હોય ત્યાં વાત કરવામાં આવે તો એવી સ્થિતિમાં બીજાની વાતો સમજવામાં તેમને વધારે તકલીફ પડે છે. આ ઉપરાંત વાંચતી વખતે તેઓ કદાચ છાપાની હેડલાઇન તો વાંચી શકશે પરંતુ બીજુ કશું જ લખાણ સમજી શકતા નથી તથા તેઓ પોતાની જાતે કંઇક લખી શકે છે. પરંતુ તે જ લખાણને વાંચી શકતા નથી આમ તેમને બોલવા સિવાય વાંચવા તથા લખવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.

એકસપ્રેસીવ અફેઝિયાએ ઘણી વખત વધુ ગંભીર હોય છે જેમાં વ્યકિત બિલકુલ બોલી શકતો નથી હોતો તથા ફકત અવાજો દ્વારા અને ઇશારાઓ દ્વારા વાતચીત કરતો હોય છે ઓછી ગંભીર સ્થિતિમાં વ્યકિત વાત કરતો હોય છે પરંતુ તેના વાકયો ખુબજ નાના હોય છે તથા તે વાકયોમાં મુખ્ય શબ્દો જ બોલવાના રહી જતા હોય છે (જેમકે મારે રાજકોટ જાવુ છેને બદલે મારે જાવુ છે.) ઘણા લોકોને કોઇ જગ્યા વ્યકિત અથવા વસ્તુના નામ બોલવામાં પણ તકલીફ પડે છે.એટલે કે જો તેમને કોઇ વસ્તુ જોઇતી હોય તો તે વસ્તુનંુ નામ યાદ આવતું નથી અથવા તો તેની બદલે કોઇ બીજી વસ્તુનું નામ બોલાઇ જાય છે. ઘણા લોકો જો થોડું પણ બોલી શકતા હોય તો તેમની સ્પીચ એટલી ધીમી તથા શબ્દોના અર્થ કેટલા ખોટા હોય છે સાંભળનાર વ્યકિત ઘણી વખત તેમની વાત સમજી પણ નથી શકતા આ ઉપરાંત ઘણી વખત તેઓને કોઇ નામ પણ ખબર હોય છે છતાં પણ તે શબ્દ બોલી શકતા નથી અથવા તો તેઓ વારંવાર કોઇ એક જ શબ્દ બોલતા રહે છે. આવી તકલીફ ધરાવતા વ્યકિત ઘણી વખતે લખેલી વાત સમજી તો જાય છે. પરંતુ બોલી નથી શકતા તથા કોઇપણ વસ્તુ લખી નથી શકતા.

અફેઝિયાની સાચી સારવાર એક સ્પીચ થેરાપિસ્ટ કરે છે.તેઓ બધાજ  લક્ષણોની તપાસ કર્યા બાદ થેરાપી માટેનો પ્લાન તૈયાર કરે છેજેનો ઉપયોગ તે વ્યકિતની સારવાર દરમિયાન કરે છે. વ્યકિતની તકલીફ પ્રમાણે અફેઝિયાની સારવાર બે ચાર મહિનાથી લઇને વર્ષો સુધી પણ ચાલી શકે છે. સારવાર જો વહેલી શરૂ કરાવવામાં આવે તો ઝડપી અને સારૂ પરિણામ મળેછે સારવાર જેટલી મોડી શરૂ કરવામાં આવે તેટલું પરિણામ ઓછુ મળે છે અને વ્યકિતએ ઘણા લક્ષણો સાથે જ જીવન વિતાવવું પડે છે.

::-આલેખન-::

-કુંજ વિભાકર વછરાજાની

માસ્ટર ઓફ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી ૧૩/૩ જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞીક રોડ રાજકોટ

(4:22 pm IST)