Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કલેકટરને ફરવું પડયું ને અધીકારીઓમાં દોડધામ જામટાવર સામેના દરવાજાનું તાળુ તોડવું પડયું

મામલતદાર તન્ના દ્વારા કાર્યવાહીઃ પોલીસ દ્વારા ગણેશીયો-હથોડીનો ઉપયોગ

રાજકોટ તા. ર૪: ભારતીય કિસાન સંઘના આંદોલનને કારણે કલેકટરશ્રી રેમ્યા મોહનની ગાડી શ્રોફ રોડ પરના દરવાજામાંથી પ્રવેશી નહિં શકતા...ડ્રાઇવરે આખી કચેરી ફરી જામટાવર સામે આવેલ અને હંમેશને માટે બંધ રહેતા દરવાજા સામે ગાડી લાવી થોભાવી હતી, પરંતુ આ દરવાજો અને નાની બે સાઇડની ઝાંપલી બંધ હોય...અધીકારીઓને દોડધામ થઇ પડી હતી, એક નાની ઝાંપલીનો દરવાજો ખોલી કલેકટર અંદર પ્રવેશ કરી શકયા હતા, પરંતુ ગાડી અંદર નહિં આવી શકતા કર્મચારીઓમાં ચર્ચા જાગી હતી, કારણ કે મુખ્ય દરવાજાનું તાળુ કાટ લાગી જવાને કારણે ખુલ્યું જ ન હતું.

આ પછી ઉચ્ચ અધીકારીઓની સુચનાથી મામલતદાર શ્રી તન્ના અને સ્ટાફ પોલીસને સાથે રાખી દરવાજાનું તાળુ ખોલવા પ્રયાસ કરાયો પરંતુ તાળુ નહિં ખુલતા આખરે ફરજ પરના પોલીસ સ્ટાફે મોટી હથોડી અને ગણેશીયો લઇ કાટ ખાઇ ગયેલું તાળું તોડવું પડયું હતું અને સ્ટીલનું નવું મજબુત તાળુ મરાયું હતું. ટુંકમાં કલેકટરશ્રીને આંદોલનને કારણે આખી કચેરી ફરવી પડી... અને તેમાં તાળું નહિં ખુલતા અધીકારીઓમાં દોડધામ થઇ પડી હતી.

(4:18 pm IST)