Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

હવે શહેર બોડી બીલ્ડીંગ એસો.ની માંગણીઃ શહેરના તમામ જીમ ચાલુ કરોઃ લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ માટે જરૂરી

શહેરમાં ૬૭ પ્રાઈવેટ અને ૪ સરકારી જીમ આવેલા છેઃ કલેકટરને આવેદન : પાન, ફાકી, ચા, રેસ્ટોરન્ટ, જંકફુડ જેવી દુકાનો ચાલુ છે તો જીમ્નેશીયમ કેમ બંધ ?

રાજકોટના બોડી બીલ્ડરો કલેકટરના શરણે... : રાજકોટ :  શહેર બોડી બીલ્ડર્સ એસો. દ્વારા તાકિદે શહેરના ૬૭ જેટલા પ્રાયવેટ અને ૪ સરકારી જીમ ચાલુ કરવા અંગે કલેકટર કચેરી આવી પોતાના બોડી કોશલ્ય દેખાડવા સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ :. જીલ્લા બોડી બીલ્ડીંગ એસો.ના ચેરમેન ડો. કેતન ત્રિવેદી અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ઓપન સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લા, તાલુકામાં જીમ્નેશીયમ ચાલુ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે, રાજકોટ ડીસ્ટ્રીકટ બોડી બીલ્ડીંગ એસોસીએશન અને સૌરાષ્ટ્ર બોડી બીલ્ડીંગ એસોસીએશન વતી નિવેદન કરીએ છીએ કે હાલ કોરોના (કોવીડ-૧૯)ની મહામારીના સંદર્ભમાં સમગ્ર દેશમાં જીમ્નેશીયમની પ્રવૃતિ બંધ રાખવામાં આવી છે, પણ જીમ ચાલુ કરવાથી સરકારની ગાઈડ લાઈન મુજબ લોકોની ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત બને છે અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. સાથોસાથ શરીર અને મનને પ્રફુલ્લીત રાખી શકાય છે. હાલ પાન, ફાકી, ચા, રેસ્ટોરન્ટ, જંકફુડ જેવી વસ્તુઓની દુકાન ચાલુ કરવામાં આવી છે તો જીમ્નેશીયમ બંધ શું કામ છે ?! તેવો સવાલ ઉઠાવ્યો હતો.

બોડી બીલ્ડીંગના ખેલાડીઓને તેમના શરીરને ફીટ રાખવા નિયમીત સવારે બે કલાક અને સાંજે બે કલાક વ્યાયામ કરવો પડે અને માસિક ૧૫ થી ૨૦ હજારનો ડાયટ લેવો પડતો હોય છે. માટે સારા બોડી બીલ્ડરો જીમ્નેશીયમમાં કોચ તરીકે સેવા આપે છે અને તેના પગારથી પોતાને જોઈતા પોષક તત્વો મેળવે છે અને જરૂરી કસરતો કરતા હોય છે.

બોડી બીલ્ડીંગ એ સ્પોર્ટસ (રમત) છે જેના સ્ટેટ અને નેશનલ લેવલના સર્ટીફીકેટના વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં માર્કસ ઉમેરવામાં આવતા હોય છે. માટે જીમ્નેશીયમ સરકારી ગાઈડ લાઈન મુજબ બને તેટલા જલ્દી ચાલુ કરવા જોઈએ જેથી માત્ર ખેલાડીને જ નહીં પણ આમ જનતાને પણ તેનો લાભ મળી શકે અને આ મહામારી સામે શારીરિક અને માનસીક સુદ્રઢતા કેળવી શકે તો આ અંગે આપ સરકારમાં અમારી આ માંગણી અને આવેદન પહોંચાડશો અને જીમ પ્રવૃતિ ચાલુ થાય તેવા પ્રયત્નો કરશો તેવી આશા રાખીએ છીએ.

(3:32 pm IST)