Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ઓનલાઇન શિક્ષણ બંધ કરાવોઃ છાત્રા ખુશીના આપઘાતમાં યોગ્ય તપાસ કરાવો

મોહનલાલ સોજીત્રાની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૪: રણછોડનગર-૧માં રહેતાં જાગૃત નાગરિક જીલ્લા વાલી મહામંડળના મોહનભાઇ એલ. સોજીત્રાએ પોલીસ કમિશનરને આવેદન પાઠવી ખાનગી શાળા જયકિશનમાં અભ્યાસ કરતી બાળા ખુશીના આપઘાત પ્રકરણમાં તટસ્થ તપાસ કરાવવા અને કોઇ જવાબદાર હોય તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરી છે. સોજીત્રાએ રજૂઆતમાં જણાવ્યું છે કે લોકડાઉનના કારણે સરકારના આદેશથી શાળાઓ બંધ રખાઇ છે. પરંતુ હવે ઓનલાઇન અભ્યાસ ચાલુ કરાયો છે. આ કારણે છાત્રો અને વાલીઓ હેરાનગતિ અનુભવી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણ બંધ કરાવવા અગાઉ પણ જીલ્લા શિક્ષણાધીકારી સહિતને રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આવુ શિક્ષણ ચાલુ રહેતાં એક બાળકી મરી જવા મજબૂર થઇ છે. ઓનલાઇન શિક્ષણ પ્રથા તાકીદની અસરથી બંધ થાય અને બાળા ખુશીના આપઘાતમાં યોગ્ય તપાસ થાય તેવી અમારી માંગણી છે. તેમ અંતમાં સોજીત્રાએ જણાવ્યું છે.

(3:26 pm IST)