Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કોરોનાના કપરા સમયે પણ રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલની અનન્ય કામગીરી : પ્રસુતા અને નવજાતની સાર સંભાળમાં અવ્વલ

રાજકોટ : ગુજરાતની પ્રત્યેક માતા અને બાળક સ્વસ્થ-સુરક્ષિત રહે તે માટે રાજય સરકાર આરોગ્યલક્ષી યોજનાઓના નક્કર આયોજન સાથે આગવું કામ કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં માતા-બાળ મૃત્યુદર ઘટાડવાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે આરોગ્ય ક્ષેત્રે સવિશેષ  કાર્યો થઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ પોતાના અનોખા કાર્ય થકી ગર્ભવતી મહિલાઓની સાથે ધાત્રી માતાઓ અને તેમના બાળકોની સંભાળ લેવાઈ રહી છે. જેનું ઉતમ ઉદાહરણ છે રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ.

કોરોનાની મહામારીના સમયમાં સતત કાર્યરત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની કામગીરી અંગે વિગતો આપતા ડો. કમલ ગોસ્વામીએ કહ્યું હતું કે, 'પ્રિકોશન આર બેટર ધેન કયોર' ની કહેવત અનુસાર રાજકોટમાં જયારે કોરોનાનો કહેર વધ્યો નહોતો એ પહેલા જ ગાયનેક વિભાગ દરેક પડકારનો સામનો કરવા તમામ જરૂરી સાધનો-દવાઓ સાથે સલામતી અને સુવિધાથી સજ્જ થઇ ચુકયો હતો. તથા કોઈ સગર્ભા મહિલા કોરોના પોઝીટીવ આવે તો અગમચેતીના ભાગરૂપે કોવીડ-૧૯ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ અને ડોકટર્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

સગર્ભા મહિલાને કોવીડ-૧૯ના સંક્રમણથી બચાવવા તેમજ કોરોનાથી સંક્રમિત મહિલાઓને શોધવા ગાયનેક વોર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાનો સંપૂર્ણ ચિતાર આપતા ડો. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપવા સોશિયલ ડિસ્ટન્સીંગ આવશ્યક છે. જેથી સ્ટાફ દ્વારા હાઈ રીસ્ક અને લો રીસ્ક લક્ષણો ધરાવતી મહિલાઓની યાદી બનાવવામાં આવી હતી. આ યાદી અનુસાર મહિલાઓને ટોકન આપીને હોસ્પિટલની મુલાકાત લેવાનું જણાવવામાં આવતું હતું. તેમજ મુલાકાત દરમિયાન જ મહિલાને દવાનો પુરતો જથ્થો આપવામાં આવતો. જેથી સગર્ભા મહિલાને વારંવાર હોસ્પિટલ આવવું ન પડે.

લોકડાઉનના સમયમાં રાજકોટ જિલ્લામાં કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાઓની વિશેષ સારસંભાળ લેવામાં આવી હતી. જે અન્વયે જિલ્લામાં ૬ કોરોના પોઝીટીવ સગર્ભાને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. જેમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં ૨ કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી. અને બંને બાળકો કોરોના નેગેટીવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નોન - કોવીડ ગાયનેક વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ૧૬૦૦થી વધુ પ્રસુતિ કરવામાં આવી છે.

આ ઉપરાંત લોકડાઉન જેવા કપરા સમયમાં જયારે સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ્પ હતો તેવા સમયે 'ખિલખિલાટ'ની વાને અવિરતપણે માતા અને બાળકની સેવામાં હાજર રહીને ઉમદા કાર્ય કર્યું છે. ત્રણ માસના સમયગાળામાં જિલ્લાની ૨૨ 'ખિલખિલાટ' વાને ૨૦ હજારથી વધુ ફેરા કરીને માતા અને બાળકને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં શરૂઆતના ૧૦૦૦ દિવસ મહત્વના હોય છે. ત્યારે સમગ્ર ગુજરાત અને રાજકોટ માટે ગર્વની વાત છે કે રાજકોટની પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ પ્રથમ '૧૦૦૦ ડેઝ કંપ્લાયન્ટ સંસ્થા' બની છે. જે બદલ રાજકોટ સિવિલ હોસ્પિટલને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામકશ્રી ડો. રૂપાલી મહેતાએ '૧૦૦૦ ડેઝ કંપ્લાયન્ટ સંસ્થા' અંતર્ગત ગાયનેક વિભાગની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, પી.ડી.યુ હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓને સંવેદનશીલતા અને સન્માન સાથે તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ખાસ તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ પાસે પ્રસુતિ કરાવવામાં આવે છે. માતા પોતાની ગર્ભાવસ્થાના સમયને સંપૂર્ણ રીતે માણી શકે તેવા તમામ પ્રયાસો ગાયનેક વિભાગ દ્વારા કરવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં આરોગ્ય વિભાગ ફરજની સાથોસાથ ઉત્ત્।મ સંભાળ, સર્વોત્તમ બાળની નેમ સાથે તેમના ઉત્કૃષ્ઠ પ્રદાન થકી રાજકોટને ગૌરવ અપાવી રહ્યો છે.

આલેખન : પ્રિયંકા પરમાર માહિતી બ્યુરો, રાજકોટ

(3:20 pm IST)