Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કિસાન સંઘની ઘોડા - સાયકલ સાથે કલેકટર કચેરીએ ધમાલ : અટકાયત

પેટ્રોલ - ડીઝલના ભાવ મુદ્દે રેલી સ્વરૂપે પહોંચતા પોલીસે કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દીધા : પ્રવેશ ન અપાયો : આ દરમિયાન કલેકટરની ગાડી આવી પહોંચતા તેમને ઘેરવા પ્રયાસઃ રેમ્યા મોહન કચેરી ફરીને જામટાવર સામેથી કચેરીમાં પ્રવેશ્યા : કિસાન સંઘના આગેવાન દિલીપ સખીયા અને કાર્યકરોના ઉગ્ર સૂત્રોચ્ચાર : પોલીસ સાથે માથાકુટ : પોલીસે ૧૫ થી ૨૦ની અટકાયત કરી લીધી : લોકોના ટોળેટોળા

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમના પ્રમુખ શ્રી દિલીપભાઇ સખીયા અને અન્ય આગેવાનો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઘોડા-સાયકલ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે, નીચેની તસ્વીરમાં ઉગ્ર સુત્રોચ્ચાર-પોલીસ સાથે શાબ્દિક ટપાટપી અને પોલીસે તમામની અટકાયત કરી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : છાશવારે કલેકટર કચેરીએ આવેદન પત્ર દેવા આવતુ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી દિલીપ સખીયા અને અન્ય ૧૫ થી ૨૦ કાર્યકરો બહુમાળી ભવનથી ઘોડા અને સાયકલ સાથે પેટ્રોલ - ડીઝલના ભાવ મુદ્દે રેલી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન દેવા કલેકટર કચેરીએ શ્રોફ રોડ ઉપર પહોંચતા અને પોલીસે આ તમામને કલેકટર કચેરીનો દરવાજો બંધ કરી તમામને અટકાવતા ભારે ધમાલ મચી હતી, શ્રોફ રોડ ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો, આ આંદોલન જોવા લોકોના આસપાસ ટોળા જામ્યા હતા.

ભારતીય કિસાન સંઘના આગેવાન દિલીપ સખીયા પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટાડો અને ખેત પેદાશોની ભાવ વધારા સાથે ઘોડા ઉપર બેસી અને અન્ય કાર્યકરો સાયકલ ઉપર બેસી આવતા, પોલીસે તમામને અટકાવી દીધા હતા.

પોલીસે જણાવેલ કે, રેલીની પરમીશન ન હોય અંદર કલેકટર કચેરીમાં જવા નહિ દેવાય... પરીણામે ૧૦ થી ૧૫ મીનીટ પોલીસ અને કિસાન સંઘના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી, કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર અને નિવેદનબાજી ચાલુ રાખ્યા હતા.

આ માથાકુટ ચાલતી હતી ત્યાં રાબેતા મુજબના ક્રમ મુજબ શ્રોફ રોડ ઉપર કલેકટરશ્રી રેમ્યા મોહનની ગાડી આવી પહોંચતા કાર્યકરો - પ્રમુખે કલેકટરની ગાડી તરફ જવા અને ગાડીને ઘેરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઇવરે ગાડી હંકારી લીધી હતી અને કલેકટર શ્રી રેમ્યા મોહન કચેરી ફરીને જામટાવર સામેના નાની ઝાંપલીના દરવાજેથી પ્રવેશી ચાલીને કચેરીના સેન્ટર ગેઇટ સુધી પહોંચ્યા હતા.

પોલીસે કિસાન સંઘના આગેવાનોને કલેકટરની ગાડી સુધી જવા દિધા ન હતા અને પોલીસની ગાડી બોલાવી તમામ ૧૫ થી ૨૦ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પણ કાર્યકરોને પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી થઇ હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને સંબોધી ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદન પાઠવ્યું હતું, તેમાં જણાવેલ કે, વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં ઘેરાય ગયેલ છે, રોજીરોટી તથા રોજગારી ઉપર લોકડાઉનને કારણે મોટી વિપરીત અસર થયેલ છે અને આમ જનતા બેકારીના ખપ્પરમાં હોમાય ગયેલ છે. તેવા સમયે સરકારે લોકોની મદદે આવવાને બદલે લોકો પર પેટ્રોલ - ડીઝલનો દરરોજ ભાવ વધારો કરી લોકોને સહન ન થાય તેવી પીડા સરકાર દ્વારા આપવામાં આવે છે, અને ન બોલી શકે ન સહી શકે તેવી પરિસ્થિતિમાં લોકો પીડાય રહ્યા છે.

આવા સમયમાં સરકાર ખર્ચમાં ના પહોંચી શકે તો આમ જનતા કેમ પહોંચી શકે?

સરકાર એમ કહે છે કે ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરશું, પણ ખેડૂતની જણસનો ભાવ તો વધતો નથી અને બીજી બધી વસ્તુઓની અંદર મોંઘવારી વધે છે. સરકારના આવા વહીવટથી એવું લાગે છે કે ૨૦૨૨માં ખેડૂતો આવક બમણી થાય કે ન થાય પણ, ખેતી ખર્ચ ૧૦૦% બમણો થશે.

રજૂઆત કરવા સમયે પ્રમુખ દિલીપભાઇ સખીયા, લલિતભાઇ ગોંડલીયા, રમેશભાઇ ચોવટીયા, પ્રભુદાસભાઇ મણવર, જીવનભાઇ વાચાણી, રમેશભાઇ હાપલીયા, મહિપાલસિંહ જાડેજા, ઠાકરશીભાઇ પીપળીયા, બચુભાઇ ધામી, માધુભાઇ પાંભર, જીતુભાઇ સંતોકી, દીપકભાઇ લીંબાસીયા, ભુપતભાઇ પટેલ, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, શૈલેષભાઇ સીદપરા વિગેરે જોડાયા હતા.

(3:16 pm IST)