Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજકોટ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો અવિરતઃ વધુ એક મળ્યો

રાજકોટ તા. ૨૪: સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ ફોન મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. વધુ એક વખત જેલમાંથી સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો મોબાઇલ ફોન મળી આવતાં રાબેતા મુજબ અજાણ્યા કોઇ ઇસમ સામે ગુનો દાખલ કરાવવામા આવ્યો છે.

ગ્રુપ-૨ના જેલર કે. એમ. સાધુએ પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ધી પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેલરશ્રી સાધુએ ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે બપોરે જેલ હવાલદાર ખીમાભાઇ એમ. કેશવાલાને સર્કલ-૦૧ વિભાગના યાર્ડ નં. ૮માંથી બહારના ખુલ્લા ભાગમાં જડતી દરમિયાન સેમસંગ કંપનીનો કાળા રંગનો બેટરી સાથેનો પણ સિમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે જેલ પ્રતિબંધીત હોઇ ગુનો દાખલ કરાવ્યો છે.

જેલરે આ ફોનને એફએસએલમાં ચકાસણી માટે મોકલવા પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે સમયાંતરે સ્થાનિક સ્ટાફ તથા અમદાવાદની જડતી સ્કવોડ રાજકોટ જેલમાંથી મોબાઇલ ફોન શોધી કાઢે છે.

 રાબેતા મુજબ ગુના દાખલ થાય છે અને કાર્યવાહી થતી રહે છે. આમ છતાં મોબાઇલ ફોન મળવાનો સિલસિલો અટકતો નથી. વિશેષ તપાસ પીએસઆઇ બી. વી. બોરીસાગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:00 pm IST)