Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં ૨૨ વર્ષના પટેલ યુવાન કિશન દેસાઇએ આત્મહત્યા કરી

માતા સવારે ઉપરના માળે બોલાવવા ગયા ત્યારે દિકરો લટકતો મળ્યોઃ નામુ લખવાનું કામ કરતો'તોઃ કારણ અકળ રહેતાં પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૨૪: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ આવેલા શ્યામ પાર્ક-૨માં રહેતાં પટેલ યુવાન કિશન રસિકભાઇ દેસાઇ (ઉ.વ.૨૨)એ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ૧૦૮ના ઇએમટી હિતેષભાઇએ કરતાં ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ આજીડેમ પોલીસને વાકેફ કરતાં હેડકોન્સ. સવજીભાઇ બાલાસરા અને હરપાલભાઇ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.  પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર કિશન બે ભાઇમાં મોટો અને અપરિણિત હતો. તે લોઠડા ગામે પ્રાઇવેટ નામા લખવાનું કામ કરતો હતો. તેના પિતા ખેતી કરે છે. તે બહારગામ ગયા હતાં. સવારે માતા રેખાબેન ઉપરના રૂમમાં પુત્ર કિશનને બોલાવવા ગયા ત્યારે તે લટકતો જોવા મળતાં દેકારો મચાવ્યો હતો.

લોકો ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવી હતી. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું. કિશને આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો કંઇ કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાતવ રાખી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:58 pm IST)