Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવા અંગે આરોપીને થયેલ ફાંસી સજાને બહાલી આપવા હાઇકોર્ટમાં અરજી

આરોપીને ૧૭ માર્ચ ૨૦૨૦નાં રોજ રાજકોટ પોકસો કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી : આરોપીએ ૭૦ વર્ષની એક વૃધ્ધાને પણ લુંટી લઇને હત્યા કરી હતી : ફાંસીની સજા કાયમ રાખવા સરકારની અરજી ઉપર હાઇકોર્ટે આરોપીને નોટીસ ફટકારી

અમદાવાદ,તા.૨૪ : રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવાના કેસમાં ૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ રાજકોટની પોકસો કોર્ટે ૨૭ વર્ષના દોષિત રીક્ષા ડ્રાઇવર વૈધુકિયાને ફાંસીની સજા ફટકારેલી છે. આ કેસમાં, હાઇકોર્ટની મંજૂરી મેળવવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી છે. જે અરજીને હાઇકોર્ટે દાખલ કરી છે. હાઇકોર્ટે દોષિતને નોટિસ પાઠવી છે અને આ કેસની વધુ સુનવણી ૧૩ જુલાઇએ રાખી છે.

હાઇકોર્ટે રજીસ્ટ્રીને પણ આદેશ કર્યો છે કે, દોષિત વૈધુકિયાએ તેની ફાંસીની સજા સામે અપીલ કરેલી છે કે નહીં, તે જણાવો. મહત્વનું છે કે, ટ્રાયલ કોર્ટ દ્વારા કોઇ કેસમાં દોષિતને ફાંસીની સજા ફટકારવામા આવે, ત્યારે સરકારે ફાંસીની સજાના અમલ માટે હાઇકોર્ટની મંજૂરી લેવી જરૂરી છે.

આ કેસની વિગત જોઇએ તો, આરોપીએ વર્ષ ૨૦૧૮માં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યુ હતુ અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ જધન્ય ગુન્હા બાદ, અરોપીએ બાળકીની હત્યા કરી હતી. ત્યાર બાદ તે ભાગી ગયો હતો. આ પછી, રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી સામે રાજકોટની ખાસ પોકસો કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

જેમાં, પોકસો કોર્ટે તેને ફાંસીની સજા ફટકારેલી છે. આ ઉપરાંત, વૈધુકિયા સામે આરોપ છે કે, બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાના બે દિવસ પહેલાં, તેણે ૭૦ વર્ષની વૃધ્ધાને લૂંટીને તેની હત્યા કરી હતી. આ કેસમાં, પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, તેણે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરેલી હતી.

આ કેસમાં તે સમયે રાજકોટના સ્પે.પી.પી.  અને જીલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરા રોકાયા હતા.

(11:54 am IST)