Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતિની આઇજીને અરજઃ મુખ્ય આરોપીને પકડી ન્યાય અપાવો

અનેક રજૂઆતો થઇ પણ પરિણામ શુન્યઃ પાંચ મહિનાથી આરોપી હાથમાં આવતો નથીઃ કોઇના પણ દબાણને વશ થયા વગર પોલીસ સત્વરે નક્કર કાર્યવાહી કરે તેવી માંગણી

રાજકોટ તા. ૨૪: શહેરમાં રહેતી એક યુવતિએ આઇજીશ્રી સંદિપસિંઘને લેખિત રજૂઆત કરી પોતાની સાથે દૂષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હોઇ તેને તાકીદે પકડી લેવામાં આવે અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.

આઇ. જી. કચેરીમાં અરજી આપી ત્યાં નોંધણી પણ કરાવવામાં આવી છે. અરજદારે અરજીમાં જણાવ્યું છે કે મેં જયદિપ દેવાયત ડવ સહિતના વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૩૨૩, ૪૨૦, ૪૯૩, ૪૯૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબની ફરિયાદ ૮/૨/૨૦ના રોજ નોંધાવી છે. પરંતુ આજ સુધી આરોપી નાસતો ફરે છે. છેતરપીંડી વિશ્વાસઘાત કરી કાવતરુ રચી જયદિપે પોતે પરિણીત હોવા છતાં છુટાછેડા થઇ ગયાની વિગતો દર્શાવી વિશ્વાસમાં લઇ મારી (અરજદાર) સાથે રજીસ્ટર્ડ કોર્ટ મેરેજ કર્યા છે અને અવાર-નવાર દૂષ્કર્મ આચર્યુ છે. એ પછી જયદિપ અને તેના મિત્રો ધમકીઓ આપતાં હોઇ ૧૬/૧/૨૦ના રોજ મેં પોલીસ કમિશનરને અરજી કરી હતી. ત્યારબાદ મને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને રાતે બોલાવવામાં આવી હતી જગ્યા જોવા લઇ જવાયેલ અને ફરિયાદ લેવાયેલ નહિ. બાદમાં ૮/૨ના રોજ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ કમિશનર તેમજ એસીપીને ત્રણ-ચાર વખત રજૂઆતો કરી છે. આમ છતાં પાંચ મહિના પછી પણ આરોપીની ધરપકડ થઇ નથી.

મુખ્ય આરોપી જયદિપના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ૩૦/૪ના રોજ આગોતરા રદ થયા પછી હાઇકોર્ટમાં ૩/૬ના રોજ આગોતરા અરજી કરી હતી. એ વચ્ચેના સમયગાળા દરમિયાન પણ આરોપીની ધરપકડ થઇ શકી નથી. ૧૦/૬ પછી હાઇકોર્ટમાંથી તેણે કોઇપણ કારણોસર અરજી વિડ્રો (પાછી ખેંચી) છે. એ વાતની જાણ હોવા છતાં આરોપી મળતો નથી તેવું પોલીસ કહી રહી છે. અગાઉ મેં (અરજદારે) ઝેરી દવા પણ પીધી હતી. ૧૦/૧૦/૧૯ના રોજ તેની પોલીસ સ્ટેશનમાં નોંધ પણ છે.

રજૂઆતમાં પિડીતાએ અંતમાં જણાવ્યું છે કે કોઇના પણ દબાણને વશ થયા વગર આરોપીને તાકીદે પકડી લઇ અમોને ન્યાય આપવામાં આવે તેવી અમારી આજીજી છે. તેણીએ એવુ પણ જણાવ્યું છે કે મારા પિતા નથી. ઘરમાં કોઇ પુરૂષ વર્ગ નથી. મારે સતત ભયમાં રહેવું પડે છે. પોલીસ ઝડપથી આરોપીને પકડે તેવી માંગણી છે.

(11:26 am IST)