Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પાણી ચોરી સામે તંત્ર સાબદુઃ બે દિ'માં ૧૯ને નોટીસઃ ૭ નળ કટ

ગઇ કાલે સેન્ટ્રલ ઝોનમાં ૪ વોર્ડમાં ચેકીંગ આજે વોર્ડ નં.૬માં ડાયરેકટ પમ્પીંગ કરતા ૫ ઝડપાયા

રાજકોટ,તા.૨૪: શહેરમાં ભુતિયા નળ તથા નળ કનેકશન સાથે ઇલેકટ્રીક મોટર જોડી ડાયરેકટ પમ્પીંગ કરી પાણી ચોરી સામે કડક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત છેલ્લા બે  દિવસમાં પાણી ચોરી અંગે ૧૯ને નોટીસો અપાઇ છે અને ભૂતિયા નળ કાપવામાં આવ્યા છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૩-૦૬-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧, ૧૦, ૧૧, ૧૨ માં ડાયરેકટ પમ્પિંગ કરતા કુલ ૧૨ આસામીઓને નોટીસ આપવામાં આવેલ તેમજ કુલ ૭ ભૂતિયા નળ કનેકશન મળી આવતા તમામ કનેકશન કપાત કરવામાં આવ્યા છે, તેમજ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૭ અને ૧૩માંથી ડાયરેકટ પમ્પીંગ કરતા કુલ ૪ આસામીઓને નોટીસ આપવામાં આવી છે.

વેસ્ટ ઝોનમાં  વોર્ડ નં. ૧ માં ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં શાંતિ નિકેતન પાર્ક, લાખના બંગલા વાળો રોડ, રૈયા ધાર તેમજ વોર્ડ નં. ૧૦ માં પુષ્કરધામ ફ્લેટમાં તેમજ વોર્ડ નં. ૧૧ માં આકાશદીપ સોસાયટી, રાજદીપ સોસાયટી અને વોર્ડ નં. ૧૨ માં રાણી ચોક શકિત હોટેલ પાસે, ગોકુલ નગર, ઉદયનગર, શ્રી નાથજી સોસાયટીના વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૭ માં મનહર પ્લોટ, ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને વોર્ડ નં. ૧૩ માં પપૈયા વાડી, જે.ડી.પાઠક રોડના વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં આજે તા.૨૪-૦૬-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૬ માં ડાયરેકટ પમ્પિંગ કરતા કુલ ૫ આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૬ માં રાજારામ સોસાયટી, સંજયનગર, શ્યામનગર અને મહેશનગર વિસ્તારમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

(3:17 pm IST)