Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વોર્ડ નં.૪ના પરસોતમનગરમાં પાણી પ્રશ્ને ગૃહિણીઓ આક્રમકઃ માટલા ફોડયા

મોરબી રોડ હઇ-વે પર આવેેલ પરસોતમનગરમાં પાણી-રસ્તાની સુવિધા નથીઃ કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીની આગેવાનીમાં સેંકડો મહીલાઓનું ટોળુ કોર્પોરેશનમાં ઘસી ગયુઃ કચેરી બહાર માટલા ફોડયા

રાજકોટ તા. ર૪ :.. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૪ નાં મોરબી હાઇવે ઉપર આવેલ પરસોતમનગરની ગૃહીણીઓએ પાણી અને રસ્તાની સમસ્યા ઉકેલવાની ઉગ્ર માંગ સાથે આજે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવી અને માટલા ફોડવાનો કાર્યક્રમ આપ્યો હતો. તેમજ આ વિસ્તારનાં કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરાની આગેવાની તળે મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવાયું હતું કે, વોર્ડ નં. ૪ માં આવેલ જય જવાન જયકિશાન સોસાયટી પાછળ આવેલ પરસોતમ નગરનું મફતીયાપરામાં છેલ્લા ૪૦ વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે. તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારની પાયાની સુવિધા પણ આપવામાં આવેલ નથી તેમજ આ વિસ્તારને પાયાની સુવિધાઓથી ઘણા વર્ષોથી વંચિત રાખવામાં આવેલ છે.

જયારે, રાજકોટ શહેરને સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવેલ હોય ત્યારે રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આ વિસ્તારને સુવિધાઓથી બાકાત રાખવામાં આવેલ હોય તે અંગે જયાં માનવી ત્યાં સુવિધાની વાત ખોટી સાબિત થાય છે. તેમજ લોકો પાસેથી રાજકોટ મહાનગરપાલિકામાં અલગ-અલગ પ્રકારના વેરા - વસુલાત કરવામાં આવે છે તેમજ અલગ-અલગ પ્રકારના ચાર્જીસ અને ફી વસુલ કરવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ પુરવાર થયું છે.

હવે આ લોક પ્રશ્ન તાત્કાલીક ધોરણે સોલ્વ કરવો પડશે અને લોકોની માંગણીઓ પીવાના પાણી, ડ્રેનેજ, સુવિધા, રોશની સુવિધા, રોડ-રસ્તા, વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલીક ધોરણે મળે અને હલા પ્રી-મોન્સુનની કામગીરી હેઠળ ખાસ ગ્રાન્ટ ફાળવી અને વિસ્તારને વિકાસમાં લેવા માંગ છે.

(3:31 pm IST)