Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોઠારીયા કોલોનીમાં પૈસાની ઉઘરાણી મામલે હિતેન્દ્રસિંહ ઝાલાને છરી બતાવી ખૂનની ધમકી

ઇન્દ્રજીતસિંહ સોલંકી અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૨૪: કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૪૦૨માં રહેતાં હિતેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા (ઉ.૪૨)ને લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી કરી દરબાર શખ્સ સહિત ત્રણ જણાએ ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે.

ભકિતનગરના એએસઆઇ એ. વી. બકુતરાએ હિતેન્દ્રસિંહની ફરિયાદ પરથી ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ સોલંકી તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. હિતેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને ઘર પાસે શકિત ટાયર નામે પંચરની દૂકાન છે. રાત્રે બે વાગ્યે તે ઘરે હતાં ત્યારે ઇન્દ્રજીતસિંહ સહિતના ત્રણ શખ્સોએ તેને બહાર બોલાવ્યા હતાં અને પૈસાની ઉઘરાણી કરી ગાળો દઇ છરી બતાવી ધમકી આપી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઇન્દ્રજીતસિંહે અગાઉ હિતેન્દ્રસિંહને રૂ. ૮૮ હજાર આપ્યા હતાં. આ રકમની ઉઘરાણી બાબતે માથાકુટ થઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. (૧૪.૧૦)

(4:09 pm IST)