Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભીલવાસમાં જમીન મકાનના ધંધાર્થીની ઓફિસમાં દરોડોઃ આઇપીએલ મેચ પર સટ્ટો રમતાં ૪ પકડાયા

ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ, જયદિપસિંહ અને પ્રદ્યુમનસિંહની બાતમી પરથી કાર્યવાહીઃ ગાંધીગ્રામના રાજૂ બસીયા તથા મિત્રો પ્રતિક કક્કડ, જેનીશ પરમાર અને વિમલ મકવાણાને પકડ્યાઃ પોણા લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૪: આઇપીએલની ટુર્નામેન્ટ પુરી થવા આવી છે ત્યારે છેલ્લે છેલ્લે પોલીસ ક્રિકેટ સટ્ટાના કેસ કરી રહી છે. ભીલવાસ ચોક નજીક બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાંચે બાતમી પરથી દરોડો પાડી ચાર શખ્સોને સટ્ટો રમતાં પકડી લઇ ૭૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઓફિસમાંથી રાજેન્દ્ર ઉર્ફ રાજૂ અજીતભાઇ બસીયા (ઉ.૩૭-રહે. ગાંધીગ્રામ ગાંધીનગર-૭, અમથીબા સ્કૂલ પાછળ), પ્રતિક દિપકભાઇ કક્કડ (ઉ.૧૮-રહે. આમ્રપાલી પાછળ સુભાષનગર-૬), જેનીશ સુરેશભાઇ પરમાર (ઉ.૨૭-રહે. અમૃતા સોસાયટી-૨, ૧૫૦ રીંગ રોડ, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે) તથા વિમલ ભરતભાઇ મકવાણા (ઉ.૩૭-રહે. ગાંધીગ્રામ-૮)ને કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલની ટીમ વચ્ચેના ટી-૨૦ મેચ પર સટ્ટો રમતાં પકડી લઇ ટીવી, સેટઅપ બોકસ, પાંચ મોબાઇલ ફોન તથા રોકડા રૂ. ૧૫ હજાર મળી કુલ રૂ. ૭૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧, ૨ તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. બી.ટી. ગોહિલ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ, કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ, પ્રદ્યુમનસિંહ, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુલદીપસિંહ, જયદિપસિંહ અને પ્રદ્યુમનસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યાં દરોડો પડ્યો એ ઓફિસ રાજૂ બસીયાની છે અને તે જમીન-મકાન લે-વેંચનું કામ કરે છે. તે અગાઉ પણ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મેહુલ નામના શખ્સ પાસે કપાત થતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૫)

 

(12:58 pm IST)