Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉનમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર પોપટપરા મિંયાણાવાસના ત્રણ નામચીન શખ્સો પાસામાં ધકેલાયા

મહમદ ઉર્ફ મંગળી, મુસ્તાક અને માજીદ ઉર્ફ મજલો સુરત જેલહવાલેઃ પ્ર.નગર પોલીસે વોરન્ટ બજવણી કરી : મંગળી ૧૦ ગુનામાં, મુસ્તાક ૭ ગુનામાં અને માજીદ હત્યા સહિતના ૫ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકયો છે

રાજકોટ તા. ૨૪: કોરોના સંદર્ભના લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પ્ર.નગર પોલીસની ટીમ સાથે પોપટપરા મિંયાણાવાસમાં ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ અંગે નોંધાયેલા ગુનામાં પકડાયેલા ત્રણ નામચીન શખ્સોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે જેલહવાલે કરવા હુકમ કર્યો છે.

પ્ર.નગર પોલીસની ટીમ થોડા દિવસ પહેલા પોપટપરા રેલનગર વિસ્તારમાં પેટ્રોલીંંગમાં હતી ત્યારે મિંયાણાવાસમાં મહમદ ઉર્ફ મંગળી નામનો શખ્સ લોકડાઉન ભંગ સબબ મળી આવતાં તેને પકડી જીપમાં બેસાડતાં તે ઉતરીને ભાગી ગયો હતો અને એ પછી તેના સગા-સંબંધી-મિત્રોએ મળી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે જે તે વખતે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સામેલ પૈકીના ત્રણ શખ્સો કે જે વિસ્તારમાં છાપેલા કાટલાની છાપ ધરાવતાં હોઇ આ ત્રણેયને પાસામાં ધકેલાયા છે. જ્યારે પકડાયા ત્યારે પણ પોલીસે વિસ્તારમાં લઇ જઇ સોશિયલ ડિસ્ટન્સ સાથે આગવી ઢબે સરભરા કરી હતી.

જેને પાસામાં ધકેલાયા છે તેમાં મહમદ ઉર્ફ મંગળી કાસમ માણેક (ઉ.૩૨) (રહે. પોપટપરા મિંયાણા વાસ), મુસ્તાક અયુબ માલાણી (ઉ.૨૭-રહે. પોપટપરા મિંયાણાવાસ) અને માજીદ ઉર્ફ મજલો રફિકભાઇ ભાણુ (ઉ.૧૯-રહે. ભીસ્તીવાડ)નો સમાવેશ થાય છે. આ ત્રણેયને પાસામાં ધકેલવાની દરખાસ્ત પ્ર.નગર પોલીસ તરફથી થઇ હતી. પીસીબી પીઆઇ એન. કે. જાડેજા સહિતે પોલીસ કમિશનર સમક્ષ દરખાસ્ત રજૂ કરતાં તે મંજુર થઇ હતી અને ત્રણેયને સુરત જેલહવાલે કરવા આદેશ થતાં પીઆઇ વી. એસ. વણઝારા, પીએસઆઇ કે. ડી. પટેલ, સંજયભાઇ દવે, અરવિંદભાઇ મકવાણા, વિરભદ્રસિંહ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ, યુવરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતે વોરન્ટની બજવણી કરી છે.

મહમમદહનીફ ઉર્ફ મંગળી માણેક અગાઉ હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, મારામારી, ફરજ રૂકાવટ સહિતના ૧૦ ગુનામાં સંડોવાયો હતો અને ચાર વખત પાસાની હવા ખાઇ આવ્યો છે. જ્યારે મુસ્તાક માલાણી હત્યાની કોશિષ, મારામારી, આર્મ્સ એકટ સહિતના ૭ ગુનાઓમાં પકડાતાં એક વખત પાસામાં જઇ આવ્યો છે. જ્યારે માજીદ ઉર્ફ મજલો અગાઉ હત્યા, હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, ધમકી સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

(3:55 pm IST)