Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સોનીયા ગાંધી સામે નાલેશીભર્યા વિધાનો-આક્ષેપો બદલ અરનબ સામે રાજકોટ અને લોધીકામાં વધુ ૨ ફરીયાદો

રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાની ફરીયાદ

લોધીકા પોલીસ સ્ટેશનમાં સોનીયા ગાંધી સામે અપમાનજનક વિધાનો અને આક્ષેપો બદલ કાનુની રાહે અરનબ ગોસ્વામી સામે પગલા લેવા ફરીયાદ રજુ કરતા લોધીકા કોંગ્રેસના મયુરસિંહ જાડેજા અને જીલ્લા પંચાયતના સભ્યો સવજીભાઇ પરમાર અને મેઘજીભાઇ સાકરીયા નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૪: પાલઘર મોબલીંચીંગની ઘટના સંદર્ભે યોજાયેલી ડીબેટમાં રીપબ્લીક ટીવી ચેનલના કો-ફાઉન્ડર અને એડીટર ઇન ચીફ અર્નબ રાજન ગોસ્વામી દ્વારા અપમાનજનક અને માનહાનીજનક વિધાનો કરવામાં આવતા દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નારાજગી  ફેલાઇ છે. આ અંગે જગ્યાએ-જગ્યાએ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી રહી છે. આજે  રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા (રાતૈયા)  અને રાજકોટ જીલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યો સર્વશ્રી સવજીભાઇ પરમાર, મેઘજીભાઇ સાકરીયાએ રાજકોટ અને લોધીકા પોલીસ સ્ટેશનમાં અરનબ ગોસ્વામી સામે ફરીયાદ રજુ કરી હતી.

આ ફરીયાદમાં જણાવાયું છે કે ર૧-૪-ર૦ર૦ના અર્નબ ગોસ્વામી દ્વારા 'પુછતા ભારત' કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું હોસ્ટીંગ પણ અર્નબ ગોસ્વામીએ કર્યુ હતું. આ ડીબેટ કાર્યક્રમ પાલઘર મોબલીંચીંગ કેસના મુદ્દે યોજાયો હતો. તા.૧૬ એપ્રિલ અને ૧૭ એપ્રિલની રાત્રે બે હિન્દુ સાધુ સહિત ૩ની ટોળાએ હત્યા કરી નાખી હતી.  આ અંગેની ડીબેટમાં અર્નબ ગોસ્વામીએ બરાડા પાડી કાર્યક્રમમાં એવું જણાવ્યું હતું કે આ મામલે શ્રીમતી સોનીયા ગાંધી શા માટે શાંત છે? કોઇ મોલવી કે ખ્રિસ્તી ધર્મગુરૂની  હત્યા થઇ હોત તો ઇટાલીયન સોનીયા ગાંધી ચૂપ રહયા હોત? જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સતા ઉપર હોત તો આ ઘટના બન્યા બાદ સોનીયા ગાંધીએ ઇટલીની વાહ વાહ મેળવી હોત તેમ અર્નબ ગોસ્વામીએ જણાવ્યું હતું અને મુસ્લીમ અને ક્રિશ્ચયન સામે આક્રોશ  ઠાલવતી સ્પીચ આપી હતી. કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં ફેલાયેલી છે ત્યારે આ બિમારી સામે દેશ ઝઝુમી રહયો છે ત્યારે અર્નબ ગોસ્વામી દ્વારા સોનીયા ગાંધી સામે અકારણ પાયા વિહોણા અપમાનજનક અને માનહાનીજનક શબ્દોની ભરમાર વરસાવવામાં આવી તેની સામે કાયદાકીય પગલા લેવા ફરીયાદમાં માંગણી કરવામાં આવી છે. 

અર્નબ ગોસ્વામીએ તેમના સ્ટેટમેન્ટ વિષે કોઇ ખુલાસો કર્યો નથી. તેનાથી ભારતીય નેશનલ કોંગ્રેસ વિરૂધ્ધની કોઇ પાર્ટી વતી તેમણે આ સ્ટેટમેન્ટ કર્યાનું સ્પષ્ટ થઇ રહયુ઼ છે. અર્નબ ગોસ્વામીના  સ્ટેટમેન્ટથી ભારતમાં રહેતી લઘુમતી વસ્તી અસલામતી અનુભવશે અને જુદા-જુદા ધર્મ વચ્ચે વમનસ્ય ફેલાશે. આપણી લોકશાહીનો પાયો સર્વધર્મ સમભાવ ઉપર નંખાયેલો છે ત્યારે ધાર્મીક ઉશ્કેરણીજનક વિધાનો કરવા કાયદાની પરીભાષામાં ગુન્હાહીત કૃત્ય છે માટે ઉપર દર્શાવવામાં આવેલી કલમો હેઠળ અર્નબ ગોસ્વામી સામે ગુન્હો નોંધી તપાસ કરવા માંગણી કરી છે.

(3:53 pm IST)