Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાનશ્રી પરશુરામજીનો આવતીકાલે જન્મોત્સવ

ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ , ભારતના ઋષિ મુનિઓથી રળિયાત છે. પોતે તપ તપી, સત્યની અનુભૂતિ કરી સમસ્ત માનવજાતના કલ્યાણ માટે જીવન વીતાવી,  વેદ-ઉપનિષદ, શ્રીમદ ભાગવત ગીતા વગેરેની પુરાણોની શાસ્ત્રોની રચના કરી, વિચાર વિજ્ઞાન-વીરતા-વિનમ્રતા વિશાળતા-વિધા જેવી વિવિધતાથી સંસ્કારિત થયેલ જીવનશૈલી આપી માણસાઈ અને માનવતાના પાઠ શીખવી, વંદનીય ઋષિમુનિઓ અમર થઈ ગયા . વિશ્વમાં શ્રેષ્ઠ કહી શકાય એવો અમૂલ્ય વારસો તેઓએ આપણને આપ્યો.

તેથી ઋષિ પંચમીએ તથા ઋષિમુનિઓની જન્મજયંતીએ હ્રદયપૂર્વક યાદ કરી,  આપણે કૃતજ્ઞતા વ્યકત કરીએ છીએ.

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુઃસહ, કૈલાસ સમ દુઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે.

ઁ જમદગ્નાય વિદ્મહે, મહાવીરાય ધીમહિ II તન્નો પરશુરામઃ પ્રચોદયાત્ IIII

એવા તેજોમય મંત્રથી મહાન ઋષિ વર્યને શ્રદ્ઘાપૂર્વક વંદન કરીએ.

બ્રહ્મતેજથી દૈદિપ્યમાન, ભભૂકતા અગ્નિ થઈ રોમેરોમ... નસેનસમાં વીરત્વભરી, એકલે હાથે સ્વપરાક્રમે અનીતિ - અન્યાય - અધર્મ, દુષ્ટતા આચરનાર તત્ત્વોનો ધ્વંસ કરનાર પરશુરામને, આધુનિક યુગમાં નવી પેઢી યાદ કરે છે. સાત ચિરંજીવીઓમાં પણ તેમને સ્થાન આપતા કહ્યું છે કે,

IIII અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનશ્વ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ય સપ્તેતિ ચિરંજીવી IIII

પરશુરામના પિતા જમદગ્નિ, માતા રેણુકા. પરશુરામ સૌથી નાના પુત્ર હતા.

પરશુરામનું દર્શન, તેજોમય છે.-બ્રહ્મત્વના તેજથી ઝળહળ, વીરત્વ અને પરાક્રમભર્યા તેજકિરણોથી શોભતું,      ધર્મ-જ્ઞાન-કર્મથી સુગ્રથિત વિરલ દિવ્ય ધન્ય પ્રસંગોથી ધબકતું કૃતવીર્ય બનવું પણ હતવીર્ય નહિ એવો સંદેશ આપતું, દૃઢતાથી ધારણ કરેલ પરશુ તથા ધનુષ્યબાણથી શોભતું તેમનું દર્શન આપણને તપ, ત્યાગ, બલિદાન તથા શારીરિક શકિતથી દિવ્ય બનવા પ્રેરણા આપે છે.

શ્રીમદ્ ભાગવતના ૯મા સ્કંધના ૧૫-૧૬ અધ્યાયમાં પરશુરામના જીવનનો પરિચય અપાયો છે.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતારઃ પરશુરામ

 વૈશાખ સુદ ત્રીજની પાવન તિથિએ વિષ્ણુ આવ્યા. 'ભગવાન છઠ્ઠા અંશાવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમના પ્રચંડ અને વિરાટ વ્યકિતત્વનો પરિચય ભગવદ્ ગોમંડળમાંથી મળે છે તધ્અનુસાર વિશ્વામિત્રના જુહુ કુળના ઋષિ જમદગ્નિ અને ઇકવાકુ વંશની રાજકન્યા રેણુકાના પુત્રોમાં સૌથી નાના પુત્ર રામ ( પરશુરામ ) હતા.

એક દિવસ રેણુકા સ્નાન કરવા નદીએ ગઈ  હતી. ત્યાં તેણે રાજા ચિત્રરથને પોતાની સ્ત્રી સાથે જલક્રીડા કરતો જોયો અને કામવાસનાથી ઉદ્વિગ્ન થઈ ઘેર આવી. તેની આ દશા જોઈને જમદગ્નિ બહુ જ ગુસ્સે થયા અને પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા આજ્ઞા કરી, પરંતુ સ્નેહવશને લીધે કોઈનાથી તેમ થઈ શકયું નહીં. એવામાં પરશુરામ આવ્યા. પરશુરામે આજ્ઞા મળતાં જ માતાનું મસ્તક કાપી નાખ્યું તેથી જમદગ્નિએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું. પરશુરામે કહ્યું કે, પહેલાં તો મારી માતાને સજીવન કરો, પછી એ વરદાનો આપો કે, હું પરમાયુ પ્રાપ્ત કરું અને યુદ્ઘમાં મારી સામે કોઈ ટકી શકે નહીં. જમદગ્નિએ તેમ જ કર્યું.

બાળપણમાં રેણુકા માતાના હાથ નીચે તેણે શિક્ષણ લીધું હતું. ભીષ્મ અને દ્રોણાચાર્ય અને સૂર્યપુત્ર કર્ણએ પણ પરશુરામ પાસેથી ધનુર્વિદ્યાનું શિક્ષણ લીધું હતું. ભગવાન શિવે પરશુરામને પોતાનું ત્રયંબક નામનું ધનુષ આપીને કહ્યું હતું કે, જયારે એ ધનુષ ભાંગશે ત્યારે તારું તેજ જશે અને રામાવતાર થશે. આ શિવવાણી ત્રેતાયુગને અંતે સિદ્ઘ થઇ હતી.

સ્પષ્ટ અને સત્યવાદી ભગવાનઃ પરશુરામ

પરશુરામ પશુપતિ નાથના પરમ શિષ્ય, ભગવાન મહેશને પોતાના શિષ્યોની મનોભૂમિનો માપ કાઢવા એક અક્ષમ્ય ભૂલ કરી. પોતાના શિષ્યોની પરીક્ષા કરી. પોતાના ગુરૂનો મહિમા ઝંખવાય કે, નંદવાય નહિ એ માટે ગુરૂની અક્ષમ્ય ભૂલ હોવા છતાં અન્ય શિષ્યો ચૂપ રહ્યા, પરંતુ સ્પષ્ટ વાદી અને સત્યાદી પરશુરામથી રહેવાયું નહી. તેઓ ઉકળી ઉકયાં અત્યાચાર સામે આક્રોશ વ્યકત કરી, પરશુ ઉપાડી,  શિવજીના મસ્તકે ફટકાર્યું,  ભગવાન શંકર ઝખમી થયાં, પરંતુ અંદરથી પ્રસન્ન થયા અને કહ્યું , 'તમારી પરીક્ષા અર્થે મે આ અન્યાયકારી પ્રયોગ કર્યો હતો. તમે આ કાર્ય ખોટુ હોવા છતાં સહી લીધું વાસ્તવમાં અધર્મ આચરનાર ગમે તેટલા ઉચ્ચ પદે હોય પણ તેની સામે અવાજ ન ઉઠાવનાર અધર્મી છે'.  આ રીતે પરશુરામે પોતાની ઓજસ્વીતા-તેજસ્વીતા તથા અધ્યાત્મિકતા ખરા અર્થમાં પ્રગટ કરી છે,  એનો આનંદ છે. અને આ અવસરની અમર યાદ રૂપે ભગવાન આશુતોષે શ્નખડગ પરશુલૃનામ ધારણ કરી પરાક્રમી, સત્યવાદી, પરશુરામને સન્માનિત કર્યા.

વાલ્મીકી રામાયણનાં બાલકાંડમાં ભગવાન શ્રીરામ પોતાના શ્રીમુખે કહે છે 'હે ભૃગુનન્દના આપ પિતાના ઋણમાંથી મુકત થવા ક્ષત્રિય સંહારની જે કામના કરી, અને અમો સર્વે અનુમોદન આપીએ  છીએ'. આમ ભગવાન પરશુરામે અનિતિવાન ક્ષત્રિયો આતતાયીઓને મારી સાચા અર્થમાં ધર્મ શાંતિની સ્થાપના કરી. અને પોતાના પિતૃ અને મહર્ષિ કશ્યપના આદેશ અનુસાર અસ્ત્ર, શસ્ત્ર છોડી મહેન્દ્રગીરી પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા, અને પોતાની પાસેના અંતીમ ત્રણ શસ્ત્રો દ્રોણાચાર્યને આપી દીધા તથા જીતેલા એકવીસ રાજયો પોતાના ગુરૂ  કશ્યપને અર્પણ કરી દીધા.

આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, સત્ય પ્રચારક પિતૃભકત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત, વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે. એવા ભગવાન પરશુરામને આજના મંગલમય દિને શતશત વંદના.

શોષણ, દમન, છલ, બલકાદોષ, જહાંભી, પાયા,વીર પરશુરામ ને જનતાએ જાકર જનતંત્ર જગાયા

દેશમાં-વિશ્વમાં કોરોના મહામારી રોગ ફાલ્યોફુલ્યો છે ત્યારે કોરોનાને નામશેષ કરવા સોસીયલ ડિસ્ટન્સ, સાવધાની અને સચેત રહેવા સૌએ સજ્જ થવાની જરૂર છે તેને પરાજિત કરવા કટીબદ્ઘ થવાનો સમય આવી ગયો છે.

સંકલનઃ વિરલ સતીષભાઇ ભટ્ટ

કાર્યાલય મંત્રી-કોંગ્રેસ રાજકોટ મ્યુ.કોર્પોરેશન

(3:50 pm IST)