Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટમાં લોકડાઉન વચ્ચે અપહરણ!: અરબાઝખાન અને રજાકખાન બે બહેનોને ભગાડી ગયાઃ જુનાગઢ પાસે ઝડપાયા

૧૫ વર્ષની બાળા અને સાસરેથી રિસામણે આવેલી ૨૨ વર્ષની બહેનને શિવપરા અને સદર બજારના બે શખ્સો ૨૧મીએ ભગાડી ગયા'તા ત્યારે પોલીસને જાણ કરી નહોતીઃ ગઇકાલે ચારેય પકડાયા બાદ યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો : એ.સી.ના કારખાનામાં કામ કરતાં બંને મુસ્લિમ શખ્સો છોકરીઓ સાથે કટકે-કટકે જે વાહન મળ્યા તેમાં અને પગપાળા ચાલતાં જુનાગઢ પાસે પહોંચી ગયાનું રટણ

રાજકોટ તા. ૨૪: શહેરમાં લોકડાઉન વચ્ચે અપહરણની ઘટના સામે આવી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતાં પરિવારની એક સગીર દિકરી અને બીજી પરિણિત ૨૨ વર્ષની દિકરી ૨૧મીએ બપોરે ઘરની વંડી ટપી જતી રહી હતી. આ બંનેને ઘર નજીક આવેલા એ.સી.ના કારખાનામાં કામ કરતાં બે મુસ્લિમ શખ્સો ભગાડી ગયાનું ખુલ્યું હતું. બીજી તરફ લોકડાઉન વચ્ચે પણ આ ચારેય છેક જુનાગઢની સાબલપુર ચેકપોસ્ટ સુધી પહોંચી ગયા હતાં. ત્યાંની પોલીસની પુછતાછમાં ચારેય રાજકોટના હોવાની વિગતો સામે આવી હતી. છોકરીઓના પિતાને ત્યાંની પોલીસે જાણ કરતાં આ અંગે ગઇકાલે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણ, પોકસોનો ગુનો નોંધી ચારેયને રાજકોટ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રૈયા વિસ્તારના પ્રોૈઢની ફરિયાદ પરથી રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે શિવપરા-૨માં રહેતાં અરબાઝખાન સલિમખાન નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદીને સાત સંતાન છે. જેમાં નાની દિકરીની ઉમર ૧૫થી ઉપરની છે. રહેણાંક નજીક  એ. સી. બનાવવાનું કારખાનુ છે. જેમાં શિવપરાનો અરબાઝખાન સલિમખાન અને સદર બજારનો રજાક અબ્દુલભાઇ શેખ કામ કરે છે. જેમાંથી અરબાઝખાન ફરિયાદીની નાની દિકરી સાથે પાંચેક મહિના પહેલા મજાક મશ્કરી કરી વાતો કરતો હોઇ તેની સાથે પ્રેમસંબંધ હોવાની ખબર પડતાં ફરિયાદી પ્રોૈઢે કારખાનાના શેઠને વાત કરતાં તેણે અરબાઝને આવું નહિ કરવા સમજાવ્યો હતો.

દરમિયાન ૨૧/૪ના બપોરે અઢી ત્રણ વાગ્યે ફરિયાદી, તેના પત્નિ અને પરિવારજનો સુઇ ગયા હતાં. જાગીને જોયું તો સાસરેથી હાલમાં માવતરે રહેવા આવેલી લોકડાઉનને કારણે અહિ જ રોકાઇ ગયેલી ૨૨ વર્ષની દિકરી તથા નાની ૧૫ વર્ષની દિકરી જોવા મળ્યા નહોતાં. ફરિયાદી અને તેના પત્નિ તથા દિકરો, દિકરીઓ બધા બપોરે સુતા ત્યારે ઘરની ડેલીએ તાળુ માર્યુ હતું. બંને દિકરીઓ વંડી ટપીની નીકળી ગયાની શકયતા ઉપજી હતી. આસપાસમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં બંનેનો પત્તો મળ્યો નહોતો. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે રૈયા રોડ શિવપરા-૨માં રહેતો અરબાઝખાન પણ તેના ઘરે હાજર નથી. આથી એ જ બંને દિકરીઓને ભગાડી ગયાની ફરિયાદીને શંકા ઉપજી હતી.

દરમ્યિાન ગઇકાલે ૨૩/૪ના રોજ સાંજે છએક વાગ્યે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીને ફોન આવ્યો હતો હતો કે તેની બંને દિકરીઓ તથા અરબાઝખાન અને બીજો રજાકખાન એમ ચાર જણાને સાબલપુર ચેક પોસ્ટ પાસેથી પકડવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ રબારી, ગિરીરાજસિંહ જાડેજા, લક્ષમણભાઇ મહાજન, જયંતિગીરી, પુષ્પરાજસિંહ સહિતની ટીમે તુરત જ અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ પહેલા દિકરીઓ ગૂમ થયાની પોલીસને જાણ કરવામાં આવી નહોતી. પોલીસે અપૃહત સગીરા, તેની બહેન તથા તેને ભગાડી જનારા અરબાઝખાન અને રજાકખાનનો કબ્જો મેળવી રાજકોટ લઇ આવવા તજવીજ કરી છે. ચારેય કટકે કટકે ટ્રક સહિતના જે વાહનો મળ્યા તેમાં બેસીને છુપાઇને જુનાગઢ સાબલપુર સુધી પહોંચી ગયાની વિગતો સામે આવી રહી છે. જે બે શખ્સો બે સગી બહેનોને ભગાડી ગયા તેમાં એક સદર બજારનો શખ્સ બે સંતાનનો પિતા હોવાનું કહેવાય છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)