Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં ૨૨૫નો સ્ટાફ રાત-દિવસ બજાવી રહ્યો છે 'કોરોના આર્મી'ની ફરજ

તબિબો, પેરા મેડિકલ, નર્સિંગ, ટેકનીશિયન, સિકયુરીટી, સ્વીપર, સર્વન્ટ સહિતનો સમાવેશઃ ત્રણ શિફટમાં નોકરી : નર્સિંગ વિભાગના રાજેશભાઇએ કહ્યું-કોવિડ વોર્ડમાં ફરજ બજાવવામાં ભય રાખીએ તો ન ચાલેઃ અમારે દર્દીઓની સારવાર ઉપરાંત તેની બીજી માંગણીઓ પણ પુરી કરવાની હોય છેઃ તેમને અહિ ઘર જેવું જ વાતાવરણ મળી રહે તેવા પ્રયાસોઃ હોય છેઃ તબિબી અધિક્ષક, આરએમઓ અને ડીનનું સતત માર્ગદર્શનઃ આજના દિવસે કોરોના હોસ્પિટલમાં ૩૧ દર્દીઓ સારવારમાં

રાજકોટ તા. ૨૫: કોરોના મહામારીને મ્હાત કરવા વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ચાર માળમાં ખાસ ચાર વોર્ડ શરૂ કરી તેને કોવિડ-૧૯ હોસ્પિટલ નામ અપાયું છે. આ વિભાગમાં ફરજ બજાવતાં તમામને કોરોના આર્મી નામ આપી શકાય...ત્રણ શિફટમાં અવિરત ફરજ બજાવતાં તબિબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ટેકનીશિયન, સ્વીપર, સિકયુરીટી, સર્વન્ટ સહિતના મળી અંદાજે ૨૨૫નો સ્ટાફ ખરેખર ધન્યવાદને પાત્ર છે. રાજકોટમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી જાહેર થતાં જ આ કોરોના આર્મીએ પોત પોતાની ફરજનો મોરચો સંભાળી લીધો હતો. આજે પણ તેઓ તેમાં અવિરત છે. નર્સિંગ વિભાગના રાજેશભાઇએ જણાવ્યું હતું કે-પ્રારંભે આ વોર્ડમાં કામ સોંપાયુ ત્યારે સ્હેજ ભય ઉભો થયો હતો. પણ પછી સમજાઇ ગયું કે જો આપણે જ ભય રાખશું તો દર્દીઓ આવશે તેનું શું થશે?...ત્યારથી ભય શબ્દ જ અમે કાઢી નાંખ્યો છે. અમારે દર્દીઓની સારવારની સાથો સાથ તેમની બીજી જરૂરિયાતો જેમ કે માથામાં નાખવાનું તેલ, કાંસકો સહિતની વ્યવસ્થા પણ કરવાની હોય છે. ટુંકમાં તેમને ઘરની ઉણપ અનુભવાય નહિ તેનો ખાસ ખ્યાલ રખાય છે.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તથા આરએમઓ ડો. એમ. સી. ચાવડા અને ડીન ડો. ગોૈરવી ધ્રુવની રાહબરી હેઠળ તબિબો, રેસિડેન્ટ ડોકટર્સ, એમડી તેમજ પેરામેડિકલ, નર્સિંગ, ટેકનીશિયન, સિકયુરીટી, લિફટમેન, સ્વીપર, સર્વન્ટ સહિતનો સ્ટાફ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સવારે ૭ થી ૨, બપોરે ૨ થી ૯ અને રાત્રે ૯ થી ૭ એમ ત્રણ શિફટમાં ફરજ બજાવે છે. નર્સિંગ વિભાગના ૬૫ કર્મચારીઓને હેડ હિતેન્દ્ર ઝાખરીયા પ્રારંભથી જ તમામ સહકાર આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના કાજલબેન સોઢા પાસે ખુબ જવાબદારીવાળી કામગીરી છે. તેમને કોવિડ વિભાગનો જે કચરો નીકળતો હોય છે તેનો ખુબ સાવચેતીથી નિકાલ કરવાની કામગીરી તે સંભાળી રહ્યા છે.

આ વોર્ડમાં ફરજ બજાવતાં તબિબો સહિતના તમામ સ્ટાફને પીપીઇ (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) કિટ ધારણ કરવાની હોય છે. આ કિટ પહેરવામાં કેટલો સમય લાગે છે? તે અંગે સમયાંતરે અલગ-અલગ માહિતીઓ સોશિયલ મિડીયામાં વાયરલ થતી રહે છે. આ અંગે સ્પષ્ટતા કરતાં હેડ નર્સ રાજેશભાઇએ કહ્યું હતું કે ગ્લોવ્ઝ, ચશ્મા, કેપ સહિતની કિટ ધારણ કરવામાં વધીને દસેક મિનીટ થતી હોય છે. નોકરી પુરી થયે આ કિટનો નાશ કરવાનો હોય છે. તેમણે આગળ કહ્યું હતું કે વોર્ડમાં દર્દીઓને તમામ સુવિધા મળી રહે તેનું ખાસ ધ્યાન રખાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ માટે તમામ સુવિધાઓ પુરી પાડી છે. દરેક વોર્ડમાં ટીવીની સુવિધા પણ છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને આરએમઓ ડો. એમ. સી. ચાવડા કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં સ્ટાફને ભોજન પણ સમયસર મળતું રહે તેની પણ વ્યવસ્થા સંભાળે છે.  આમ બહાર રહી લોકડાઉનનું પાલન કરાવતી પોલીસ કોરોના આર્મી છે તેમ કોરોના વોર્ડમાં ફરજ બજાવતો તમામ સવા બસ્સોનો સ્ટાફ પણ પોતાની કોરોના આર્મી તરીકેની ફરજ બજાવી રહ્યો છે. જીવના જોખમે અહિ કામ કરવાનું હોય છે. પરંતુ હવે એક મહિના જેટલો સમય આ વિભાગમાં પસાર થઇ ચુકયો હોઇ તબિબો અને તમામ સ્ટાફને અહિ ભય વગર ફરજ કેમ બજાવવી તેનો બહોળો અનુભવ મળી ચુકયો છે. આ તમામની સેવાને ચોક્કસપણે સોૈએ સેલ્યુટ આપવી ઘટે.

(3:38 pm IST)