Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આનંદના ઓપન માઇકના મણકામાં જય વસાવડા અને સાંઇરામે છાત્રોને માર્ગદર્શીત કર્યા

રાજકોટ,તા.૨૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારી આ કપરા સમયમાં વિદ્યાર્થીઓને સમયનો સદ્દઉપયોગ થાય અને વિદ્યાર્થીઓનું મનોબળ વધે તેવા શુભ હેતુથી એક અનોખી સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણીના પ્રયાસોથી યુનિવર્સિટીના ફેસબુક પેઇઝ પરથી લાઇવ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવેલ છે.

વ્યાખ્યાન માળામાં બીજા મણકામાં જાણીતા લેખક અને કોલમીસ્ટ જય વસાવડાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યા હતા. આજ રીતે ત્રીજા મણકામાં તા. ૨૩/૪/૨૦૨૦ના સુપ્રસિધ્ધ હાસ્યકાર અને શિક્ષક સાંઇરામ દવેએ વિદ્યાર્થીઓને સંબોધીત કર્યા હતા.

આ બંને મણકામાં આશરે ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાઇવ સાંભળ્યા હતા અને વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અને ઉદાહરણો સાથે જ્ઞાન, વિઝન, સંકલ્પ, ઉદેશ્ય અને જીવનનો મર્મ સમજાવ્યો હતો.

 વ્યાખ્યાનમાળામાં આજે ચોથા મણકામાં સાંજે ૬ કલાકે જાણીતા લેખક, વકતા કાજલ ઓઝા વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેસબુક પેઇઝ પરથી વિદ્યાર્થીઓને લાઇવ સંબોધન કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ નુતન પહેલ સૌ વિદ્યાર્થીઓએ સહહૃદય બિરદાવી છે અને વિદ્યાર્થીઓને આ પહેલના માધ્યમથી શિક્ષણ  અને જ્ઞાન સાથે જીવનના અમુલ્ય વિચારો અને મોટીવેશન મળી રહ્યું છે. ત્યારબાદ વ્યાખ્યાનમાળામાં ક્રમશઃ પ્રખર ભાગવતાચાર્ય પૂજયશ્રી રમેશભાઇ ઓઝા (પૂજય ભાઇશ્રી) શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડો. શરદ ઠાકર, અંકિત ત્રિવેદી, ડો. જયદીશ ત્રિવેદી, માયાભાઇ આહીર, આર.જે દેવકી સહિતના વિદ્યાર્થીઓને સંબોધન કરશે.

(3:38 pm IST)