Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના તથા લોકડાઉન હવનમાં હાડકા બન્યા

હજ્જારો કર્મકાંડી ભૂદેવોની હાલત ખરાબ-વિચારવાલાયકઃ ખર્ચ કાઢવો મુશ્કેલ

રાજકોટના ચાર હજાર જેટલા કર્મકાંડી બ્રાહ્મણોમાંથી મોટાભાગના પાસે છેલ્લા અઢી મહિનાથી કોઇ કામ નથી: ૪૦ ટકા જેટલા વર્ગ પાસે તો ઘરનું ઘર પણ નથીઃ ભાડુ ભરવામાં મુશ્કેલીઃ દૂધ-ખાદ્યપદાર્થો લેતી વખતે પણ આર્થિક સ્થિતિ વિલન રૂપ ?: આર્થિક સંકળામણને કારણે એક ભૂદેવ તો આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા ! માંડ સમજાવ્યા: કર્મકાંડી ભૂદેવોને સામાન્ય રીતે વર્ષમાં ૩ મહિના કામ નથી હોતું: અમુક અગ્રણી કર્મકાંડી ભૂદેવોએ તો ૧૦૦ જેટલા બ્રાહ્મણોને જીવનજરૂરી વસ્તુઓની કીટ તથા ર૦ ભૂદેવોને તો સહયોગરૂપે રોકડા રૂપિયા પણ આપ્યાઃ ઘણાંને અયાચકવૃતિ નડે છે

રાજકોટ તા. ર૪: ભારત સહિત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અને તેનાં કારણે તકેદારીરૂપે સતત લોકડાઉન રહેતા લાખો ધંધાર્થીઓ અને લોકો અસામાન્ય આર્થિક સંઘર્ષ કરી રહ્યા છે. લાખો-કરોડો લોકોની નોકરીઓને અસર પહોંચી છે. તો હજ્જારો લોકોના ઘરના બજેટ અને આર્થિક ચેઇન વેરવિખેર થઇ ગયા છે. ન ધારેલી અને અણહણતી ઉપાધી આવી પડી છે.

આવી કસોટીરૂપ પરિસ્થિતિ વચ્ચે હજ્જારો કર્મકાંડી ભૂદેવોની હાલત કફોડી તથા વિચારવાલાયક થઇ ગઇ  હોવાનું જાણવા મળે છે. મોટાભાગના કર્મકાંડી ભૂદેવો માટે હાલની સ્થિતિમાં ઘર ખર્ચ કાઢવો પણ મુશ્કેલ હોવાનું રાજકોટના અગ્રણી કર્મકાંડી બ્રાહ્મણો જણાવી રહ્યાં છે.

માત્ર રાજકોટમાં આશરે ચાર હજાર જેટલાં કર્મકાંડી બ્રાહ્મણો છે. જેમાંથી મોટાભાગના પાસે લગભગ છેલ્લાં અઢી મહિનાથી કોઇપણ જાતનું કામ ન હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે કર્મકાંડી બ્રાહ્મણો વર્ષ દરમ્યાન શુભમુહૂર્ત પ્રમાણે જ કામ કરતા હોય છે.

ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન હોળાષ્ટક, કમુરતા અને ત્યારબાદ કોરોના કહેર તથા લોકડાઉનને કારણે છેલ્લાં અઢી મહિનાથી મોટાભાગના કર્મકાંડી ભૂદેવો આર્થિક પ્રવૃતિઓથી દૂર બેઠા છે.

એવું પણ જાણવા મળે છે કે રાજકોટમાં રહેતા અને કર્મકાંડ કરતા આશરે ૪૦ ટકા જેટલા ભૂદેવો પાસે તો પોતાના ઘરનું ઘર પણ નથી. તેઓ ભાડેથી રહે છે  અને હાલમાં ભાડુ ભરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કામ નથી મળતું છતાં પણ સરેરાશ ૪ હજારથી ૭ હજાર સુધીના ઘરભાડા તો ભરવા જ પડે છે. ઘણાંને દૂધ અને જીવન જરૂરી ખાદ્યપદાર્થો અને વસ્તુઓ લેવામાં પણ પોતાની આર્થિક સ્થિતિ વિલનરૂપ બનતી હોવાની ચર્ચા છે.

જો કે રાજકોટમાં રહેતા હિરેનભાઇ સહિતના અમુક અગ્રણી કર્મકાંડી ભૂદેવોએ તો આશરે ૧૦૦ જેટલા બ્રાહ્મણોને જીવનજરૂરી વસ્તુઓની સંપૂર્ણ કીટ આપી છે. તથા ર૦ જેટલાં ભૂદેવોને આર્થિક સહયોગરૂપે અઢી હજાર રૂપિયા રોકડા પણ આપ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ પ્રકારનો આર્થિક સહયોગ લેવામાં ઘણાં અયાચકવૃતિ (માંગતા ક્ષોભ  અનુભવાય) ને કારણે શરમ અનુભવે છે. હિરેનભાઇ દ્વારા એક કિસ્સો તો એવો જાણવા મળ્યો કે એક કર્મકાંડી ભૂદેવે અયાચકવૃતિને કારણે કીટ રૂપે કે આર્થિક સહયોગ લેવાની ના પાડી દીધી. અને બીજા જ દિવસે તેમના ઘરના સભ્યનો ફોન આવ્યો અને ઘરમાં જીવનજરૂરી અને અનિવાર્ય ગણાતી ચીજો ન હોવાનું જણાવ્યું હતું. લોકડાઉનની શરૂઆતમાં કર્મકાંડી ભૂદેવોને ઓડીયોકલીપ દ્વારા પણ સહયોગ લેવા અગ્રણીઓએ અપીલ કરી હોવાનું જાણવા મળે છે.

તાજેતરમાં જ એક કર્મકાંડી બ્રાહ્મણ તો વિધિઓ તથા ધાર્મિક કાર્યોરૂપે આર્થિક પ્રવૃત્તિઓ હાલમાં બંધ થઇ જવાથી ખર્ચ તથા ખરાબ આર્થિક સ્થિતિને કારણે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયાનું હિરેનભાઇ જણાવી રહ્યા છે. કે જેઓને કાઉન્સેલિંગ કરીને અને ધરપત આપીને માંડ માંડ સમજાવીને આત્મહત્યા જેવું કૃત્ય કરતા રોકવામાં આવ્યા હતા. સામાન્ય રીતે દરેક કર્મકાંડી ભૂદેવને વર્ષ દરમ્યાન ૧ર માંથી ૯ મહિના દરમ્યાન કામ રહેતું હોય છે. મોટેભાગે ૩ મહિના દરમ્યાન નહિવત કામ રહેતું હોય છે.

આમ કર્મકાંડી ભૂદેવો તથા બ્રાહ્મણોને પ્રાચીન સમયથી દરેક ધાર્મિકકાર્યમાં કે પછી વિધિઓમાં મુઠ્ઠી ઉંચેરૂ-સન્માનનીય સ્થાન આપવામાં આવી રહ્યું છે, અને બ્રાહ્મણોના આશીર્વાદ પણ જીવનમાં ઘણાં ઉપયોગી થતા હોય છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર  સૌરાષ્ટ્ર- ગુજરાત તથા ભારતના લાખો કર્મકાંડી ભૂદેવોનું અદ્દકેરૃં સ્થાન સમાજમાં અકબંધ રહે તેવી મહાદેવને પ્રાર્થના. મહાદેવ હર...(૬.પ)

કર્મકાંડી ભૂદેવોની સરકાર પાસેથી અપેક્ષા-માંગણીઓ

લોકડાઉનને કારણે કર્મકાંડી ભૂદેવો હાલમાં આર્થિક સંઘર્ષનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓની સરકાર પાસે અપેક્ષા-માંગણીઓ છે કે જે વિધિઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે વિધિ  માટે કર્મકાંડ કરવાની છૂટ આપવામાં આવે. આ વિધિઓમાં યજ્ઞ, જન્મકુંડળીને લગતા કામો, શાંતિ વિધાન, શાંતિ યજ્ઞ, મરણોપરાંત કરાતી વિધિઓ વિગેરેનો સમાવેશ થાય છે.

ઉપરાંત જે કર્મકાંડી ભૂદેવો પાસે હાલમાં કોઇ જ કામ નથી તેઓને સમય - સંજોગો અનુસાર રોજમદારની શ્રેણીમાં ગણીને આર્થિક સહયોગ આપવામાં આવે. શરતોને આધીન અન્ય આર્થિક પ્રવૃતિ કરતા લોકોને સરકારે છૂટ આપી જ છે.(૬.૪)

સમગ્ર વર્ષ દરમ્યાન કર્મકાંડી ભૂદેવો દ્વારા થતી વિધિઓ

. લગ્ન તથા સગાઇ વિધિ

. જનોઇવિધિ

. નવચંડી યજ્ઞ

. લઘુરૂદ્ર

. રૂદ્રાભિષેક

. નારાયણબલિ શ્રાદ્ધ

. પિતૃકર્મ

. શ્રાદ્ધ કર્મ

. રાંદલમાતા લોટા

. સત્યનારાયણની કથા

. શ્રીમદ્દ ભાગવત કથા

. પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ

. નવગ્રહ જપ

. કાલસર્પ યોગ શાંતિવિધાન

. શાંતિયજ્ઞ

. ગ્રહવિધાન

. વાસ્તુયજ્ઞ (૬.૪)

(3:35 pm IST)