Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જૈફવયના લાલબાપા અને રૂપાઈબેન કાનાણીએ રાષ્ટ્રીય ધર્મ બજાવ્યોઃ અનુદાન

બચત કરેલી મૂડીમાંથી એક લાખ બે હજાર રાષ્ટ્રસેવામાં અર્પણ કર્યા

રાજકોટઃ શહેરના એક જૈફવયના દંપતીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડીમાંથી કુલ ૧ લાખ ૨ હજારનંુ અનુદાન આપ્યું છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી (ઉ.વ. ૯૪) અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણી (ઉ.વ. ૮૭)ને વિચાર આવ્યો કે હાલ જ્યારે માનવી પર કોરોના રૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કંઈક કરવું. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યુ કે પોતાની જીવનપર્યંત બચાવેલી મૂડીમાંથી ૫૧ - ૫૧ હજાર રૂપિયા કોરોના વાયરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા. આમ દાદા-દાદીએ ૫૧ - ૫૧ હજાર રૂપિયા એમ બન્નેએ મળીને કુલ ૧ લાખ ૨ હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા. લાલભાઈ કાનાણી અને તેમના ધર્મપત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ જઈને ગત ૨૩ એપ્રિલના રોજ રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહનજીને ૫૧ - ૫૧ હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. આ દાદા-દાદી રાજકોટના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. પ્રવિણભાઈ કાનાણી (પર્લ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ)ના માતા-પિતા છે.

લાલભાઈ કાનાણી અને તેમના ધર્મપત્નીએ આવી સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃતિઓમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરીને પોતાની નૈતિક ફરજ બજાવી છે.

(3:35 pm IST)