Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના સામે ઝઝુમતુ તંત્રઃ ૧૧ લાખ ફુડ પેકેટ-૧૭ હજાર અનાજ કિટ અપાઇ

સંક્રમણ રોકવા કલસ્ટર કોરન્ટાઇન-હોમ કોરન્ટાઇનની વ્યવસ્થાઃ કેસ શોધવા ઘરે-ઘરે સર્વે રેપીડ ટેસ્ટનો પ્રારંભઃ શહેરીજનોને બચાવવાં દિવસ રાત ફરજ બજાવતાં પોલીસ-આરોગ્ય અને સફાઇ અને કોર્પોરેશનનાં અધિકારીઓની પીઠ થાબડતાં ઉદય કાનગડ

રાજકોટ,તા.૨૪: આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. જેમાં ભારત પણ તેનો સામનો કરી રહેલ છે. દેશમાં અત્યારે અલગઅલગ શહેરોમાં જે માત્રામાં કોરોનાના કેસ સામે આવી રહયા છે તેની સરખામણીએ આજે રાજકોટ શહેર ઘણું સલામત લાગે છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત શહેર પોલીસ અને કલેકટર તંત્રની કામગીરીનું પણ મહત્વનું યોગદાન રહયું છે.  સમગ્ર દેશની સાથોસાથ રાજકોટ પણ લોકડાઉન થયું. વહીવટી તંત્ર સામે સૌથી મોટો પડકાર લોકડાઉનનું પાલન કરાવી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા ઉપરાંત તેઓના રોજીંદા જીવનની આવશ્યક સેવાઓની ઘેર બેઠા ઉપલબ્ધિ કરાવવાનો રહયો. જેમાં વહીવટી તંત્ર મહદ અંશે સફળ રહયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ/ કર્મચારીઓની ટીમ આર.એમ.સી.ની ભૂમિકા નિભાવી ખરેખર સરાહનીય અને અભિનંદનીય છે. અને તેના કારણે જ જંગલેશ્વરના એરીયાને બાદ કરતા મોટાભાગના વિસ્તારો કમ સે કમ આજે તા.૨૪ એપ્રિલ સુધી કોરોનામુકત રહી શકયા હોવાનું પ્રતીત થાય છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

આગોતરૂ આયોજન

રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા આગોતરી તૈયારી પણ કરી લીધી હતી. જે અંતર્ગત ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના ૮૯ જેટલા ખાનગી તબીબોને ડો. કમલેશ ઉપાધ્યાય (સ્ટેટ નોડલ ઓફિસર) દ્વારા માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. જેમાં,ઙ્ગરાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગનામેડીકલ ઓફિસર, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર,  નર્સીંગ સ્ટાફ,આશા બહેનોને તાલીમ આપવામાં આવેલ તેમજઙ્ગઆર.બી.એસ.કે. ડોકટર્સની જુદી જુદી ટીમો દ્વારા રાજકોટ શહેરની ૯૩ જેટલી શાળાઓમાં માર્ગદર્શન આપવામાં આવેલ તથાઙ્ગઙ્ગઆરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ૨૧,૦૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.

ડોર ટુ ડોર સર્વે

આ દરમ્યાન જંગલેશ્વરમાંથી કોરોનાનો એક પોઝીટીવ કેસ મળતા સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરાયો અને લોકોના સ્વાસ્થ્યની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યારબાદ આ વિસ્તારને કોર્ડન કરી કલસ્ટર કવોરોનટાઈન કરવામાં આવેલ અને સોડિયમ હાઈપ્લોકલોરાઈટ દ્વારા ડીસઈનફેકસન કરવામાં આવેલ.

૧૦૦ ટીમો બનાવી

આ ઉપરાંત શહેરમાં વિદેશથી આવેલા લોકો અને તેમની સાથેના પરિવારજનોને હોમ કવોરોનટાઈન કરાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મેડિકલ, પેરા મેડિકલ અને વહીવટી સ્ટાફની બનેલી  કુલ ૧૦૦ ટીમો બનાવી કવોરોનટાઈન કરાયેલા લોકોના ઘર પર નજર રાખવામાં આવી. તેઓને ઘરમાં જ રહેવા સમજાવવામાં આવ્યા. શહેરના મહત્વના સ્થળો જેવા કે હોકર્સ ઝોન, શાકમાર્કેટ, ઉપરાંત ગ્રોસરી સ્ટોર અને બી.આર.ટી.એસ. બસ શેલ્ટર અને રૂટ ડીસઈનફેકટ કરવામાં આવ્યા, રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોરોના કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો.

વિસ્તાર બ્લોક

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વરમાં પ્રથમ કેસ મળ્યો એ સાથે જ અગમચેતી રૂપે સમગ્ર વિસ્તાર બ્લોક કરી દીધો હતો. જંગલેશ્વરના આશરે એકસો જેટલા પરિવારો એટલે કે, ૪૦૦ જેટલા નાગરિકોને ઘરમાં રહેવા સમજાવી તેઓને ઘેર બેઠા જ જીવનજરૂરી ચીજ વસ્તુઓ જેવી કે રાશન, અનાજ, શાકભાજી, તબીબી સેવાઓ અને દવા પહોંચતી કરી હતી.

વોર્ડ વાઇઝ યાદી

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ૬૯ મેડિકલ સ્ટોર, અને ૨૭૬૦ કરિયાણાની દુકાનો દુધની ડેરીની વોર્ડ વાઈઝ યાદી મોબાઈલ ફોન નંબર સાથે પણ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦ જેટલા સુપર માર્કેટ, મોલ અને વેજીટેબલ માર્કેટ સાથે મંત્રના કરી ગ્રાહકોને આવશ્યક ચીજોની હોમ ડિલિવરી શરૂ કરાવી. આ સુપર માર્કેટ અને મોલની યાદી ફોન નંબર સાથે પણ વેબસાઈટમાં જાહેર કરવામાં  આવેલ છે.

કોરોન્ટાઇન હેઠળ

અન્ય દેશોમાંથી મુસાફરી કરનારા લોકોને શોધવા માટે ત્રણ સ્તરની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ બધા લોકોને ઘરના કવોરેન્ટાઇન હેઠળ મૂકવામાં આવ્યા હતા. કોરોનાના લક્ષણો માટે તબીબી દેખરેખ માટે અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી,  ઘરની આવશ્યક વસ્તુઓની ડિલેવરી સુનિશ્યિત કરવા બિન તબીબી ટીમોની સહાયતા પ્રદાન કરવામાં આવી.

ઓનલાઇન માહિતી

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાએ સેમ્પલીંગ અને પોઝીટીવ દર્દીઓના ડેટા પરથી એક ખાસ ગુગલ મેપિંગ તૈયાર કરેલ જેની સંકલિત માહિતી ડેશ બોર્ડ પર ઉપલબ્ધ બનાવી છે. જેની મદદથી મનપાને શહેરના કયા કયા વિસ્તારમાંથી સેમ્પલીંગ કરાયેલ છે, અને કયાંથી દર્દી નોંધાયેલ છે તેની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. જેમાં પોઝીટીવ દર્દી આવેલ હોય તેને લાલ રંગના ટપકા વડે તથા સેમ્પલીંગ કરેલ હોય અતે લીલા રંગના ટપકા વડે જોઈ શકાઈ છે.  

૨૧ માર્ચથી હેલ્થ કાર્યરત

કવોરેન્ટાઇન કરાયેલા કુલ ૧૬૩૧ લોકો પર દેખરેખ રાખવા તથા તેમની રોજબરોજની આવશ્યક સુવાઓની પૂર્તિ માટે મનપાની ટીમો દિવસમાં ત્રણ ત્રણ વખત તેઓમાં ઘરની મુલાકાત લેતી હતી અને તેમનો રીપોર્ટ મનપાના કન્ટ્રોલ રૂમમાં સબમિટ કરતી હતી. શહેરમાં કુલ ૨૧ અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત્ત્। છે. શહેરને ૨૧ ભાગમાં વહેંચી કુલ ૧૦૦ ટીમોને મોનિટરિંગ અને કવોરેન્ટાઇન લોકોની તબીબી સેવાઓ તથા જીવનજરૂરી ચીજોની આપૂર્તિ માટે ફરજ સોંપવામાં આવી હતી.

દવા છંટકાવ

આ સમયગાળા દરમિયાન શકિતમાન ઇન્ડસ્ટ્રીઝના શ્રી હસુભાઈ ગોહિલ તથા અશ્વિનભાઈ ગોહિલ  દ્વારા મિત્રતાના દાવે શહેરમાં તમામ ૧૮ વોર્ડમાં બુમ સ્પ્રેયર મશિન તેમજ ફાયર બ્રિગેડના વાહનોની મદદથી ડીસઇન્ફેકશનની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી જે આજે પણ ચાલુ જ છે. શહેરના નાગરિકોને શાકભાજી તથા ફ્રુટ પહોંચાડતા ફેરિયાઓના થર્મલ સ્ક્રીનીંગ પણ શરૂ કરાવ્યા હતાં.

જંગલેશ્વરમાં કંટ્રોલ રૂમ

શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં તા.૧૮થી કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા, જંગલેશ્વર વિસ્તારના લોકોની સુવિધાઓ માટે જિલ્લા કલેકટરશ્રીની કચેરી, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસનો રાઉન્ડ – ધ – કલોક સંયુકત કંટ્રોલ રૂમ ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓને પણ ફરજ સુપરત કરવામાં આવેલ છે. જંગલેશ્વરમાં રહેતા લોકો કરફ્યું દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ ઘેર બેઠા મળી રહે તે માટે આ વિસ્તારની કુલ ૬૮ જેટલી કરિયાણાની દુકાનો, દુધની ડેરી અને મેડિકલ સ્ટોરની યાદી તૈયાર કરી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવી હતી.

આખું રાજકોટ આ હકિકતનું પણ તેનું ગવાહ છે. જેનો શ્રેય રાજકોટ મહાનગરપાલિકા તથા સરકારી તંત્ર સાથે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, વિવિધ સામાજિક, ધાર્મિક અને વ્યવસાયિક સંસ્થાઓ અને નાગરિકોને હિસ્સે પણ જાય છે. તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ જણાવ્યું હતું.

(3:34 pm IST)