Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટની ૧૦૦થી વધુ ક્રેડીટ કો.ઓપ સોસાયટીની કામગીરી શરૂ

સવારના ૯થી ૨ રૂટીન કામગીરી કરવા મંજુરીઃ લોકડાઉનની શરતોનું પાલન કરાશેઃ નાના-મધ્યમ વર્ગના આર્થિક વ્યવહારોમાં ખુબજ ઉપયોગ એવી મંડળીઓ ચાલુ થતા સભાસદો-બચતકારો માટે લાભદાયકઃ શહેરમાં કુલ ૩૫૦ ક્રેડીટ સોસાયટીઓ છેઃ ૧૦૦ મંડળીને મંજુરી મળીઃ મહેન્દ્રભાઇ ફળદુ

રાજકોટ,તા.૨૪: રાજકોટ શહેરમાં આશરે ૩૫૦ થી વિશેષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ કાર્યરત છે તે પૈકીની ૧૦૦ થી વિશેષ ક્રેડીટ સોસાયટીઓએ પોતાની કામગીરી શરૂ કરેલ છે. જીલ્લા રજીસ્ટ્રારશ્રી અને ફેડરેશનનાં સંયુકત પ્રયત્નોથી કલેકટરશ્રી રાજકોટ એ વિશેષ ક્રેડીટ સોસાયટીઓને પોતાની ઓફીસ ખોલવા અને કામગીરી શરૂ કરવા માટે શરતી મંજુરી આપેલ છે અને સાથે સાથે સ્ટાફનાં આવવા જવા માટે પાસ પણ ઈસ્યુ કરી આપેલ છે, રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી., રાજકોટનાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ફળદુ (એડવોકેટ) એ જણાવેલ છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી., રાજકોટનાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ફળદુ એ જણાવેલ છે કે, રાજકોટ શહેરની અંદર કાર્યરત ક્રેડીટ કો-ઓપ. સોસાયટીઓએ સવારનાં ૯ કલાકથી બપોરનાં ૨ કલાક સુધી સોસાયટીની રૂટીન કામગીરી ધીમે ધીમે શરૂ કરેલ છે. માનનીય કલેકટર સાહેબ અને જીલ્લા રજીસ્ટ્રારશ્રી (સહકારી મંડળીઓ) શ્રી તિર્થાણનાં માર્ગદર્શનથી સોસાયટીઓ પોતાની કામગીરી હાથ ધરી રહેલ છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી., રાજકોટનાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ફળદુ એ વિશેષમાં જણાવેલ છે કે, દરેક ક્રેડીટ સોસાયટીઓ ભારત સરકારશ્રી,ગુજરાત સરકારશ્રી અને રાજકોટ જીલ્લાનાં કલેકટર દ્વારા લોકડાઉનનાં જે નિયમો નકકી કરેલ છે તેનો ચુસ્ત રીતે અમલ કરી રહયા છે અને કરશે અને સોસાયટીમાં આવતાં ગ્રાહકો, સભાસદોને પણ તે નિયમોનું અમલ કરવાની શરત સાથે જ સોસાયટી ઓફીસમાં પવેશ કરવા દેવામાં આવશે અને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમોનું પણ ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવશે.

સોસાયટીઓને સવારનાં ૯ કલાકથી બપોરનાં ૨ કલાક સુધીની પરવાનગી આપવામાં આવેલ છે તો તે સમય દરમ્યાન જ સોસાયટીઓ દ્વારા સોસાયટીનો વહીવટ, વ્યવહાર કરવામાં આવશે.

ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓમાં બહોળી સંખ્યામાં સભાસદો, થાપણદારો, નાના -નાના બચતદારો, દૈનિક તથા મંથલી બચતદારોની સંખ્યા ખૂબ જ છે, ક્રેડીટ સોસાયટી સાથે નાનાથી માંડીને મોટા વેપારીઓ સંકળાયેલા છે અને વેપારીઓ અને બચતકારોનાં રોજબરોજનાં અસંખ્ય વ્યવહારો સોસાયટીઓ સાથે થતાં હોય છે, હાલનાં લોકડાઉનનાં સમયે નાની નાની બચત કરનાર સભાસદોને અત્યારે પોતાની મુડી, બચતની રકમ મળે અને તે રકમનાં આધારે પોતાનાં ફેમીલી ઉપર, વેપાર ધંધા ઉપર નાની મોટી આર્થિક જે જવાબદારીઓ આવેલ હોય તેમાં આ બચત, મુડીનો ખરા સમયે ઉપયોગ કરી શકે એવી શુભનિષ્ઠાથી ક્રેડીટ સોસાયટીઓનાં હોદેદારો, કર્મચારીઓ પણ આ સમયે પોતાની ઓફીસ ખોલીને પોતાનાં સભાસદો અને બચત કરનારાઓને ઉપયોગી થઈ રહયા છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી., રાજકોટનાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ફળદુ એ વિશેષમાં જણાવેલ છે કે, કોરોના સંકટ પછી સર્જાનાર આર્થિક વિપદામાં નાના માણસોને મદદરૂપ બનવા રસ્તો નિકળી શકે તે જરૂરી છે તેમજ આ બાબતે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડીટ સોસાયટીનાં પ્રમુખ જયોતિન્દ્રભાઈ મહેતા એ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરેલ છે. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-આઓપ. સોસાયટીઝ ફેડરેશન લી., રાજકોટમાં  મહેન્દ્રભાઈ કે. ફળદુ - ચેરમેન, ડો. એન. ડી. શીલુ - વા. ચેરમેન, લીલારામભાઈ એચ. પોપટાણી -એમ. ડી.,  એચ. એચ. જાડેજા - ખજાનચી, ડાયરેકટરો તરીકે અરવિંદભાઈ તાળા, યશે શભાઈ એમ. જોષી, નાથાભાઈ ટોળીયા, રમણીકભાઈ એસ. ઝાલાવડીયા, છબીલભાઈ એમ. નથવાણી,  ડો. પ્રવિણભાઈ એન. નિમાવત,સુભાષભાઈ જી. પટેલ,  જીતેન્દ્રભાઈ કોયાણી, રમણીકભાઈ વાડોદરીયા, બાલુભાઈ સરડવા તથા લીગલ એડવાઈઝર તરીકે સતિષભાઈ દેથલીયા તથા જનરલ મેનેજર તરીકે ચેતનભાઈ મહેતા ફરજ બજાવી રહ્યા છે.

મહેન્દ્રભાઇ ફળદુ

 

(3:34 pm IST)