Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વાહ રાજકોટ... બીજા દિવસે પણ એકેય કેસ નહીં

રાજકોટવાસીઓ આજ રીતે લોકડાઉનનું પાલન કરશો તો ત્રીજીથી રાહતની સંભાવના : શહેરના ગાંધીગ્રામ, ખોડીયારનગર, સદર, ભીલવાસ, વૈશાલીનગર, જાગનાથ, ધરમનગર આવાસ, નાનામૌવા સહીતનાં વિસ્તારોમાં ૮૦ સેમ્પલોનાં રેપીડ ટેસ્ટ નેગેટીવ આવ્યાઃ દરરોજ ૧પ૦ જેટલા રેપીડ ટેસ્ટ થશેઃ આજે બપોર સુધી એક પણ પોઝીટીવ કેસ જાહેર ન થતા રાહત

રાજકોટ, તા., ૨૪: શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા હોટ સ્પોટ સિવાયનાં અન્ય વિસ્તારોમાંથી કોરોના સંક્રમીતોને શોધવા ગઇકાલથી રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઇકાલ બાદ આજે પણ સતત બીજા દિવસે પણ એક પણ પોઝીટીવ કેસ નહી મળતા રાહત અનુભવાઇ રહી છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની યાદીમાં જણાવાયું છે કે, હાલની કોરોના (કોવીડ-૧૯) વાયરસના ચેપની વિગત જાણવા સામાન્ય રીતે જેમને ફ્લુ જેવા કે તાવ, ઉધરસ, શ્વાસ ચડવો જેવા લક્ષણો છે. અને પોઝીટીવ દર્દીના સંસર્ગમાં આવેલ છે. તેઓના પરીક્ષણ માટે RT-PCR  ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટના પરીક્ષણમાં સમય લાગે છે. આ ટેસ્ટ મર્યાદિત રીતે થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના સંપર્કથી રાજકોટ મહાનગરપાલિકાને ૬૦૦ રેપીડ કીટ ફાળવેલ છે. જેમાંથી આજ રોજ સુધીમાં કુલ ૮૦ નું પરીક્ષણ કરે છે જેમના દરેકના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આગામી દિવસોમાં દરરોજ ૧૨૦ થી ૧૫૦ શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટ રેપિડ કિટ મારફત કરવાનું આયોજન છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં દરેક રાજયોને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કોવિડ-૧૯ ના ચેપને જાણી શકાય તે માટે ફાળવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની રાજય સરકારને રજુઆતથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦૦ કિટ ફાળવેલ છે. આ કીટનો ઉપયોગ ICMR (Indian Council Of Medical Research) ની ગાઈડલાઈન મુજબ જુદા જુદા કોરોનાગ્રસ્ત વિસ્તાર અથવા જુદા જુદા વિસ્તારમાં આ એન્ટીબોડી રેપિડ કિટનું ટેસ્ટીંગ કરી કોરોના રોગની વ્યાપકતા નક્કી કરવા માટેનું પુરક પરીક્ષણ છે.

રેપીડ ટેસ્ટનો ઉપયોગ કોઈ પણ વિસ્તારમાં કોરોના વાયરસના ચેપનો વ્યાપ તથા સર્વેલન્સ માટે છે. આજે તા. ૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભીલવાસ, વૈશાલી નગર, ગવલી વાડ, સદર વિસ્તાર, લોહા નગર, જાગનાથ, નાનામવા આવાસ અને ધરમનગર આવાસમાં રેપિડ ટેસ્ટ કિટ વડે સેમ્પલ લેવાયા હતા.

સામાન્ય રીતે કોઈ પણ વાયરસનો ચેપ લાગ્યા બાદ માણસના શરીરમાં ઈમ્યુન સીસ્ટમ (રોગપ્રતિકારક સીસ્ટમ) દ્વારા કોઈ પણ વાયરસનો ચેપ લાગવાથી એન્ટીજન પ્રક્રિયા થાય છે. માનવ શરીરમાં ચેપના રક્ષણ માટે જે તે એન્ટીજન સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. કોરોના વાયરસના ચેપ બાદ દરેકના ચેપગ્રસ્ત વ્યકિતમાં ચેપ લાગ્યાના સાત દિવસ બાદ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. ‘એન્ટીબોડી રેપિડ ટેસ્ટના પરીક્ષણથી જેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સાત દિવસ બાદ પોઝિટિવ આવે છે. આ ટેસ્ટના પરીક્ષણથી પોઝિટિવ રીપોર્ટથી જે તે વ્યકિતને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું ફલિત થાય છે.

આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટમાં પરીક્ષણ કરનારનું માત્ર લોહીનું એક ટીપું લેવામાં આવે છે. જે કિટમાં નાખવાથી માત્ર ૧૫ થી ૨૦ મીનીટમાં પરીણામ આવી જાય છે. આ કિટનું પરીક્ષણ નિષ્ણાંત દ્વારા પીપીઈ પહેરીને કરવામાં આવે છે.

(3:11 pm IST)