Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જંગલેશ્વરમાંથી કર્ફયુ હટ્યો, લોકડાઉનનું કડક પાલન યથાવત

રહેવાસીઓ જાતે જ જાગૃત બની કર્ફયુ જેવો જ અમલ કરી રહ્યા છેઃ સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ ધ્યાન રખાય છેઃ ૧૭મીથી કર્ફયુ લાગ્યો'તોઃ કર્ફયુ ભંગના ૧૨૮ કેસ

કર્ફયુ ખુલ્યા પછી જંગલેશ્વરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ખરીદી માટે નીકળી મહિલાઓ :કોરોનાના દર્દીઓ વધી જતાં જંગલેશ્વરમાં કર્ફયુ લદાયો હતો જે આજે ઉઠાવી લેવાયો છે. કર્ફયુના સમયમાં લોકોને  જીવનજરૂરી ચીજવસ્તુઓ પોલીસ તંત્ર પહોંચાડતું હતું. આજે કર્ફયુ હટતાં મહિલાઓ ઘરમાં ઉપયોગમાં લેવાની અત્યંત જરૂરી ચીજવસ્તુઓ લેવા બહાર નીકળી હતી. જો કે સોૈએ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કર્યુ હતું. જે તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: કોરોનાની મહામારીના સોૈથી વધુ કેસ જંગલેશ્વરમાં હોઇ રાજ્ય સરકારે સંક્રમણને વધુ ફેલાતુ અટકાવવા ૧૭મી રાતથી જંગલેશ્વરમાં કર્ફયુ લાદી દીધો હતો.

આ કર્ફયુ આજ સવારથી ખોલી નાંખવાના આદેશો થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજ સવારના છ વાગ્યાથી કર્ફયુનુ જાહેરનામુ પાછી ખેંચી લીધુ છે. જો કે આમ છતાં જંગલેશ્વરના રહેવાસીઓ સ્વયંભુ કર્ફયુનું પાલન કરવામાં માની રહ્યા છે. તેઓ જાતે જ સમજીને કોરોનાનું સંક્રમણ હવે વધુ ન ફેલાય તે માટે નિયમો પાળી રહ્યા છે.

કર્ફયુ હટ્યા પછી અહિ લોકડાઉનનું કડક પાલન યથાવત રહેશે. ૧૭મીથી ગત રાત સુધીમાં કર્ફયુ ભંગના ૧૨૮ કેસ ભકિતનગર પોલીસે દાખલ કરી ૧૩૭ની ધરપકડ કરી હતી.

રાજ્યના ગૃહ વિભાગે કરેલા આદેશ અન્વયે જંગલેશ્વરમાં કર્ફયુ લાદવામાં આવ્યો હતો. જે આજથી લંબાવવાની જરૂરિયાત જણાતી ન હોઇ આ જાહેરનામુ આજ સવારથી પાછુ ખેંચાયુ છે. જો કે સમગ્ર શહેરની જેમ અને અગાઉની જેમ લોકડાઉનનું કડક પાલન યથાવત રાખવામાં આવ્યું છે. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એસ. એન. ગડુ તથા બહારથી આવેલા અધિકારીઓ અને ટીમોએ જંગલેશ્વરમાં કોરોના સંદર્ભે સતત લોકો જાગૃત રહે તેવી ફરજ બજાવી છે. પીઆઇ વી. કે. ગઢવીના જણાવ્યા મુજબ આજ સવારથી કર્ફયુ પુરો થતાં લોકોએ રાહત અનુભવી છે. પરંતુ લોકડાઉનનું કડક પાલન યથાવત રખાયું છે.

કર્ફયુ પુરો થવા છતાં લોકો સ્વયંભુ કર્ફયુનો અમલ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા નીકળતી મહિલાઓ પણ માસ્કનો ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરી રહી છે. અહિ કેસ વધ્યા પછી લોકોને હવે ગંભીરતા સમજાઇ છે અને જાતે જ જાગૃત બન્યા છે.

(3:11 pm IST)