Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટ માર્કેટયાર્ડમાં ૪૧૧ કવીન્ટલ ચણાની આવકઃ સોમવારથી કપાસની હરરાજી શરૂ થશે

કાલથી રોજ ૧૫૦ ખેડૂતોને બોલાવાશેઃ યાર્ડમાં વધુ ૩૮૦૦ કવીન્ટલ ઘઉંની આવક

રાજકોટ તા. ૨૪ :. લોકડાઉનના બીજા તબક્કા વચ્ચે શરૂ થયેલ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ચણાની ૪૧૧ કવીન્ટલની આવકો થઈ હતી. તેમજ વધુ ૩૫૦૦ કવીન્ટલ ઘઉંની આવકો થઈ હતી. સોમવારથી ઘઉં સાથે ચણા અને ધાણા અને કપાસની પણ હરરાજી શરૂ કરવામાં આવશે.

લોકડાઉના કારણે ખેડુતોના ઘરમાં પડેલ વિવિધ જણસીઓનું વેચાણ થાય અને  ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકારની સુચના મુજબ લોકડાઉનની નિયમોના સંપૂર્ણ પાલન સાથે રાજકોટ યાર્ડમાં આજે ઘઉં સાથે ચણાની હરરાજી પણ કરાઈ હતી. ચણાની ૪૧૧ કવીન્ટલની આવકો થઈ હતી. ૧ મણ ચણાના ભાવ ૭૬૫ થી ૮૪૧ રૂ. રહ્યા હતા. જ્યારે ઘઉંની આજે વધુ ૩૮૦૦ કિવન્ટલની આવક થઇ હતી. ઘઉં ૧ મણના ભાવ ૩૩૬ થી ૩૯૦ રૂપિયા બોલાયા હતા.

યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવેલ હતુ કે સોમવારથી ઘઉં, ચણા, ધાણા સાથે કપાસની પણ હરરાજી શરૂ કરાશે. આ માટે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેને જ બોલાવવામાં આવશે.

ખેડુતોને સવારે ૭ થી ૯ સુધી માલ લઇને પ્રવેશની છુટ અપાશે. ખેડુતોએ ૨૦ ફુટના અંતરે વાહન ઉભુ રાખવાનુ રહેશે. જે ખેડુતોને ફોન કરીને બોલાવવામાં આવે તે જ ખેડુતો માલ લઇને આવે જેથી ભીડ ન થાય અને લોકડાઉનના નિયમોનુ પાલન થઇ શકે તેમ અંતમાં યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ હતું.

(4:01 pm IST)