Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોવિડ-૧૯ હોસ્પિટલના નેગેટિવ પેશન્ટ માટે ફ્રી બસ સેવા શરૃઃ સ્ટાફ માટે બીજી ૪ બસો

અલગ-અલગ રૂટો માટે સીટી બસ સેવાઃ ૩૮ની સીટમાં ૧૫ને બેસાડી સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવાશે

રાજકોટઃ સિવિલ હોસ્પિટલની કોરોના કોવિડ-૧૯ હોસ્પિટલમાં જેના કોરોના સેમ્પલ નેગેટિવ જાહેર થાય તેવા દર્દીઓ અને તેની સાથેના સગાને ઘરે મુકવા જવા માટે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે સીટી બસ સેવા શરૂ કરાવી છે. નેગેટિવ દર્દીઓને ફ્રીમાં આ સેવાનો લાભ આજથી મળતો શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત સિવલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબિબો, નર્સિંગ સ્ટાફ તેમજ વર્ગ ચારના તમામ કર્મચારીઓ માટે પણ બીજી ચાર સીટી બસની સુવિધાનો પ્રારંભ કરાયો છે. અલગ અલગ રૂટ અને સમય મુજબ આ બસો દોડાવાશે. જેમાં નિયત કરેલુ ઓછામાં ઓછુ ભાડુ જે તે મુસાફરી કરનારને ચુકવવાનું રહેશે. બસમાં ૩૮ મુસાફરોની સીટ હોય છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માત્ર ૧૫ને બેસાડવામાં આવશે અને ઝીકઝેક મુજબ બેઠક વ્યવસ્થા રખાશે. આ વ્યવસ્થામાં રાજપથના શ્રી કુકડીયા, શ્રી પટેલ, શ્રી રાઠોડ તથા ધર્મેશભાઇ માકડીયા, હોસ્પિટલના એચઆર મેનેજર રેખાબેન પટેલ, રાહુલભાઇ સોલંકી, મયુરભાઇ, ડીજી નાકરાણી ફેર કલેકશનના રાજભાઇ ડોડીયા સંભાળી રહ્યા છે.

(1:05 pm IST)