Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સિવિલ હોસ્પિટલમાં ખુણે ખાચરે પડ્યા પાથર્યા રહેતાં ૨૭ને શોધી હાંકી કઢાયા

રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન બંધ થતાં અહિ આવી ધામા નાખ્યા'તાઃ કેટલાક દિવસથી મોબાઇલ ચોરીના બનાવો પણ વધ્યા'તાઃ સિકયુરીટીની ટીમે શોધ્યા

રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કોવિડ-૧૯ વિભાગ શરૂ કરવામાં આવ્યો હોઇ ત્યારથી રૂટીન દિવસોમાં આવતાં દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે. પરંતુ કેટલાક દિવસોથી વોર્ડ તથા બીજા વિભાગોમાંથી મોબાઇલ ફોન સહિતની જીણી-મોટી વસ્તુની ચોરીના બનાવ બનવાનું શરૂ થયું હોઇ સિકયુરીટીની ટીમે તપાસ હાથ ધરતાં રખડતું જીવન જીવતાં અનેક લોકોએ અહિ ધામા નાંખ્યાનું સામે આવતાં આવા ૨૭ને શોધી કાઢી બહાર હાંકી કઢાયા હતાં. જેમાં સાત મહિલાઓ પણ સામેલ હતી.

શહેરના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંધ હોઇ મોટે ભાગે ત્યાં જ પડ્યા પાથર્યા રહેતાં શખ્સોએ છેલ્લા ઘણા દિવસોથી સિવિલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગ સામેના બગીચામાં તથા પોસ્ટ મોર્ટમ રૂમ નજીક ખાંચામાં અને બીજી જગ્યાઓ કે જ્યાં સહેલાઇથી કોઇનું ધ્યાન ન પડે ત્યાં રોકાણ કર્યુ હતું. ગત સાંજે સિકયુરીટીના ઇન્ચાર્જ નિવૃત પીઆઇ એ. ડી. જાડેજા, એએસઆઇ જનકસિંહ ઝાલા, અફઝલભાઇ, રણજીતભાઇ સહિતની ટીમે આવા લોકોને શોધી કાઢ્યા હતાં. આજે પણ આ કામગીરી થશે અને જેટલા પકડાશે તેને પોલીસને સોંપવામાં આવશે.

(1:04 pm IST)