Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કાલે પરશુરામ ભગવાન જન્મજયંતિ : રવિવારે વણજોયુ મુહૂર્ત અખાત્રીજ

કોરોના વાયરસ - લોકડાઉનના કારણે ભૂદેવો ઘરે રહીને જ દિપ પ્રાગટય પૂજન કરાશે : સામુહિક ઉજવણી રદ્દ

રાજકોટ તા. ૨૪ : બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનનો કાલે જન્મોત્સવ ઉજવાશે. જો કે કોરોના વાયરસના કારણે સામુહિક ઉજવણી રદ્દ કરવામાં આવી છે.

જ્યોતિષશાસ્ત્રોના જણાવ્યા મુજબ કાલે તા. ૨૫ને શનિવારે બપોરે ૧૧.૫૨ વાગ્યા સુધી બીજ હોવાથી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ કાલે ઉજવાશે. જ્યારે તા. ૨૬ને રવિવારના બપોરના ૧ વાગ્યા સુધી ત્રીજ છે તેથી વણજોયુ મુહૂર્ત અખાત્રીજ રવિવારે ગણાશે.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ આ વર્ષે ૨૫મી એપ્રિલે આવે છે પરંતુ કોરોના મહામારીને પગલે થયેલા લોકડાઉનને કારણે આ વર્ષે શોભાયાત્રા નહીં યોજાય, પરંતુ સૌ પોત-પોતાના ઘરે જ ભગવાન પરશુરામજીના સ્મરણાર્થે દીપ કરે અને પૂજા કરે એવી અપીલ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મહામંત્રી ડો. યજ્ઞેશ દવેએ કરી છે.  ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણોસર લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી શોભાયાત્રાનું આયોજન શકય નથી. જેથી, બ્રાહ્મણ પરિવારો તથા સૌ હિંદુ સનાતન ધર્મપ્રેમીઓ પોતાના જ ઘરમાં રહીને ભગવાન પરશુરામનું પરિવાર સહિત સ્મરણ કરી દીપ પ્રગટાવી પરશુરામ ભગવાનની પુજા અને આરતી કરીને આ પર્વની ઉજવણી કરીએ. પોતાની આસપાસના જરૂરીયાતમંદ પરિવારોને શકય તેટલી મદદ કરીએ અને આ વિકટ પરિસ્થિતિમાં સૌ એકબીજાને મદદરૂપ બનીએ.

(11:32 am IST)