Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દુધનો જંગી જથ્થો આવે છેઃ વેડફાતુ અટકાવવા ધંધાર્થીઓએ મિઠાઇ બનાવવાની મંજુરી માંગીઃ કલેકટરે માંગ્યું માર્ગદર્શન

રાજકોટમાં દૈનિક ૩ લાખ લીટર દુધના વપરાશ સામે પ.૬૦ લાખ લીટર દુધનો જથ્થો ઠલવાય છે

રાજકોટ તા.ર૪ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં લોકડાઉનના પગલે હાલ દુધનું વેંચાણ મોટાપાયે ઘટી ગયું છે જેથી મોટા પ્રમાણમાં દુધ વેડફાઇ રહ્યું હોવાથી મિઠાઇના ધંધાર્થીઓએ દુધમાંથી મિઠાઇ બનાવવાની મંજુરી આપવા અરજી કરી છે. જે અંગે કલેકટરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું માર્ગદર્શન લઇને મંજુરી આપવામાં આવશે.

રાજકોટમાં અત્યારે દૈનિક ત્રણ લાખ લિટર દુધના વપરાશ સામે પ.૬૦ લાખ લિટર દુધનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. પરિણામે દુધ ઉત્પાદક સંઘ, મંડળીઓ, દુધ વેંચનારા, મિલ્ક પાર્લરને ત્યાં દરરોજ દુધ વધી પડે છે. ડેરીસાથે સંકળાયેલા ધંધાર્થીઓએ દુધમાંથી મિઠાઇ બનાવીને વેંચવાની મંજુરી આપવા કલેકટર સમક્ષ અરજી કરી છે. જે અંગે તંત્ર દ્વારા રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. કલેકટરે જણાવ્યું હતું કે, મિઠાઇના ઉત્પાદકો અને વિક્રેતાઓને મંજુરી આપતા પહેલા નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન બદ ફરસાણ, સ્વિટની દુકાનોમાં અગાઉનો  વધી પડેલો કે વેંચાણ થયા વગરનો જથ્થો નાશ કરવાનો રહેશે. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં સુધરાઇને તાકીદ કરવામાં આવી છે અને તેનું ચેકિંગ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં આ માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સુચના આપવામાં આવી છે.

(11:31 am IST)