Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટ જિલ્લામાં ૩.૪૭ લાખ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ

કામગીરી કેવી થઈ રહી છે સમીક્ષા કરતા ભુપેન્દ્રસિંહ : ૧,૬૧૭ પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓ તપાસવામાં આવી, હવે અઢી લાખ બાકી

 રાજકોટ, તા. ૨૩ :  ભાવિ પેઢીના ઘડતર માટે રાજકોટ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ સુચારૂ રીતે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા થઈ રહી છે. જેમાં રાજકોટ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં સમાવિષ્ટ ૩૬ શાળાઓ ખાતે ધો. ૧૦ અને ધો.૧૨ ના ગુજરાતી માધ્યમના ૧૫૪૩ અને અંગ્રેજી માધ્યમના ૭૪ સહિત કુલ ૧૬૧૭ પરીક્ષકો દ્વારા ઉત્તરવહી તપાસવામાં આવી હતી. આ કાર્યમાં ૨૮૨ જેટલા મહેકમના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં ધો.૧૦ ના ૧૩, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૭, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૬ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાને કુલ ૬,૦૩,૨૩૮ ઉત્તરવહીઓ ચકાસણી માટે ફાળવવામાં આવી હતી. જેમાં ગુજરાતી માધ્યમની ૫,૬૦,૭૯૭ અને અંગ્રેજી માધ્યમની ૪૨,૪૪૧ ઉત્તરવહીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ ૩,૪૭,૫૨૬ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થઈ ગયેલ છે. જેમાં ગુજરાતી માધ્યમની ૩,૩૦,૦૯૮ અને અંગ્રેજી માધ્યમની ૧૭,૪૨૮ ઉત્તરવહી છે. હાલ કુલ ૨,૫૫,૭૧૨ ઉત્તરવહી ચકાસવાની કામગીરી બાકી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૨,૩૦,૬૯૯ અને અંગ્રેજી માધ્યમની ૨૫,૦૧૩ ઉત્તરવહીનો સમાવેશ થાય છે તેમ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાના પ્રભારી અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર ચકાસણીની ફરજ બજાવતા શિક્ષકગણ અને પ્રવર્તમાન પરિસ્થિતિની જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય સાથે ટેલીફોનિક સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

(11:31 am IST)