Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટમાં પ્લાઝમા થેરાપીની મંજૂરી માંગવામાં આવી

મેડીકલ કોલેજે મંજૂરી પણ માગી છે : લીલી ઝંડી મળે તો કોરોનાના દર્દીને પ્લાઝમા થેરેપી આપી શકાશે : વિજયભાઈ સમક્ષ રજૂઆત થશે : કેરળમાં આ પ્રયોગને સફળતા મળી છે : અમદાવાદમાં પણ પ્રથમ પ્રયોગ થયો : રાજકોટમાં આ માટેના બે મશીનો છે

રાજકોટ, તા. ૨૪ : કોરોનાથી પીડિત દર્દી સાજો થઈ જાય અને પીડિતા અન્ય દર્દીઓને આપે તો કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈ જાય છે. ભારતમાં આ પ્રયોગ કેરળમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પણ પહેલો પ્રયોગ થયો હતો. જો કે એ પ્રયોગ સફળ છે કે કેમ તે હવે ખબર પડશે. સૌરાષ્ટ્ર માટે સારી વાત એ છે કે રાજકોટમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્લાઝમા થેરાપી આપી શકાય છે.

આ અંગે વિશેષ વિગતો આપતા રાજકોટના લાઈફ બ્લડ સેન્ટરના માનદ મેડીકલ ડિરેકટર ડો. સંજય નંદાણીએ કહ્યુ હતું કે શરીરમાં ફરતા લોહીમાં પચાસ ટકા પાણીનો ભાગ હોય છે તેને પ્લાઝમા કહે છે પણ કોરોનાથી સાજા થયેલા દર્દીમાંથી લોહી લેવાની પ્રક્રિયા અલગ થઈ જાય છે. રકતદાન વખતે લોહી આપવામાં આવે તે પદ્ધતિથી લોહી લેવાતુ નથી. આ પ્રકાશના દર્દીના શરીરમાંથી લોહી લેવા માટે એફેરેસીસ નામનું મશીન હોવુ જોઈએ. આ મશીન રાજકોટમાં બે જગ્યાએ છે. એક મેડીકલ કોલેજમાં અને બીજુ લાઇફ બ્લડ સેન્ટરમાં. આ મશીનમાં ડિસ્પોસેબલ કીટ ફીટ કરવામાં આવે, તેમાં વ્યકિતનું લોહી લેવામાં આવે  અને તે સ્પીન થાય. ગોળગોળ ફરતા ફરતા લોહીમાંથી પાણી અને બ્લડ સેલ્સ છૂટા પડે. પાણી એક જગ્યાએ જમા થાય અને બ્લડ સેલ્સ ફરીથી દર્દીના શરીરમાં જતા રહે. લોહીમાંથી જુદુ પડેલુ પાણી એ જ પ્લાઝમા. આ પ્લાઝમા કોરોનાગ્રસ્ત દર્દીને ચડાવવાથી તે દર્દી સાજો થઈ જાય છે.

ડો. નંદાણી કહે છે, કોરોનાથી સાજા થયેલા દર્દીના શરીરમાંથી ૫૦૦ એમ.એલ. પ્લાઝમા લઈ શકાય. એમાંથી કોરોનાગ્રસ્ત એક દર્દી માટે ૨૦૦ એમ.એલ. પ્લાઝમાની જરૂર પડે. એટલે કોરોનાથી સાજો થયેલો એક વ્યકિત બીજી વ્યકિતને સાજો કરી શકે. જો કે આ પ્રક્રિયા કરતા પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ)ના નિયમો ઘણા છે અને એ મુજબ જ પ્લાઝમા થેરાપી કરવી પડે. સૌથી મહત્વની વાત એ છે કે કોરોનાથી સાજો થયેલો દર્દી લોહી આપવા માટે માનવો જોઈએ. પ્લાઝમા પહેલાની સરકારી પ્રક્રિયા પણ લાંબી છે.

જાણવા મળ્યા અનુસાર, રાજકોટમાં મેડીકલ કોલેજ પ્લાઝમા થેરાપી કરી શકે તેમ છે અને આ માટે સરકારની મંજૂરી માંગવામાં આવી છે. જો સરકાર લીલીઝંડી આપશે તો રાજકોટમાં પણ પ્લાઝમા થેરાપી કરી શકાશે. (ફૂલછાબમાં યશપાલ બક્ષીનો હેવાલ સાભાર)(૩૭.૪)

(3:12 pm IST)