Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મોંઘવારી-કૌભાંડ-પેપર લીક મુદ્દે કોંગ્રેસનું મૌન આંદોલનઃ ૨૫ની અટકાયત

‘લોકશાહી બચાવો'ની માંગ સાથે ત્રિકોણ બાગ ખાતે કાર્યક્રમ યોજાયોઃ ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરતી પોલીસ

આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપની કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારના વિરોધમાં લોકશાહી બચાવોની માંગ સાથે ત્રિકોણ બાગ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાની આગેવાની હેઠળ ધરણા - પ્રદર્શનમાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસી નેતાઓ - કાર્યકરો ઉમટી પડયા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ટીંગાટોળી સાથે સજા અટકાયત કરી હતી. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ‘લોકશાહી બચાવા'ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસે આગેવાનો, કાર્યકરો સહિત ૨૫ની અટકાયત કરી હતી.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી તથા કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર તથા રાજ્‍યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્‍યારશાહી વલણને લીધે   પ્રજા ત્રસ્‍ત બનેલી છે. મોંઘી  વીજળી, બેરોજગારી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ  સહિત અનેકવિધ સમસ્‍યાઓથી લોકો પરેશાન છે. મૂળભૂત સ્‍વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્‍યો છે અને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે વિરોધ વ્‍યક્‍ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્‍યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.

‘લોકશાહી બચાવો'ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, રાજકોટ મનપા ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઇ અનડકટ,  આદિત્‍ય સિંહ ગોહિલ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તીબેન સોલંકી, જિલ્લા પ્રમુખ ચાંદની બેન લીંબાસીયા, રણજિત મુંધવા, વોર્ડ પ્રમુખો ગીરીશભાઈ ઘરસંડિયા, નારણભાઇ હિરપરા, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, જયાબેન ટાંક, તેમજ આગેવાનો મુકુંદભાઇ ટાંક, કેતનભાઈ જરિયા, કનકસિંહ જાડેજા, અજિતભાઇ વાંક, મયુરસિંહ પરમાર, રવિભાઈ ડાંગર, જગદીશભાઈ સખીયા, સુરેશભાઇ ગરૈયા, રાજુભાઈ ચાવડા, ગેલાભાઇ મૂછડીયા, ઘનશ્‍યામંભાઇ મકવાણા, ચંદ્રિકાબેન વરાણીયા, કંચનબેન વાળા, ધરતીબા ઝાલા, સરોજબેનં રાઠોડ સહિતના કાર્યકરો, આગેવાનો ભાઈઓ બહેનો ની પોલીસ દ્વારા અટક કરી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવાયા હતા.

(4:17 pm IST)