Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હત્‍યાના કેસમાં જામીન પર છૂટયા બાદ વકીલની ફી ચૂકવવા માટે જયસુખે દારૂ વેચવાનું શરૂ કર્યું

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. બી.ટી.ગોહિલની ટીમના કોન્‍સ. રોહીતભાઇ કછોટ અને સહદેવસિંહ જાડેજાની બાતમી : ૮૪ હજારના દારૂ ભરેલી ઇકો સાથે આજીડેમ ચોકડી પાસેથી ઝડપાયો

રાજકોટ,તા. ૨૪ : આજીડેમ ચોકડી નજીક ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રૂા. ૮૪,૩૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇકો કાર સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસેથી દારૂ ભરેલી ઇકો કાર પસાર થવાની હોવાથી ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. રોહિતભાઇ કછોટ, અને સહદેવસિંહ જાડેજાને બાતમી મળતા આજીડેમ ચોકડી નજીક એચ.પી.ના પેટ્રોલ પંપ પાસેથી જીજે-૩એલજી-૫૯૮૮ નંબરની ઇકો કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૮૪,૩૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૬૮ બોટલ મળી આવતા ઇકોના ચાલક જયસુખ પુનાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૮) (રહે. આંબેડકરનગર શેરી નં. ૮, ૮૦ ફુટ રોડ)ને પકડી લઇ વિદેશી દારૂનો જથ્‍થો, ઇકો કાર અને મોબાઇલ ફોન મળી ૪,૯૪,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જયસુખની પુછપરછમાં ૨૦૧૯માં થોરાળા વિસ્‍તારમાં હત્‍યાના ગુનામાં તે જેલમાં હતો. બાદ તે જામીન ઉપર છૂટયા બાદ વકીલની ફી ચુકવવા માટે તેણે દારૂનું વેચાણ અને હેરાફેરી શરૂ કરી હતી.

આ કામગીરી પી.આઇ. બી.ટી.ગોહીલ, એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્‍સ. દેવશીભાઇ ખાંભલા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભરતસિંહ, કોન્‍સ. સહદેવસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ દ્વારા કરવામાં આવી હતી.

(4:01 pm IST)