Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ધોરણ-૫ની છાત્રાને હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચનાર વેઇટર ગોૈતમ ચુડાસમા જેલહવાલે

દસ વર્ષની બાળાએ જે રાતે ઘર છોડયું એ રાતે હવસખોરીનો ભોગ બની હતી મુળ જામજોધપુરના બાલવાના શખ્‍સે પોતે જ્‍યાં નોકરી કરતો હતો એ હોટેલમાં બાળાને રૂમ ન મળતાં તેણી બહાર નીકળી ત્‍યારે પાછળ જઇ બીજી હોટેલમાં રૂમ અપાવવાની લાલચ દઇ રૂમ અપાવી બળજબરી આચરી હતી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણે, જનકસિંહ રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી સહિતની ટીમે કડક કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૪: ચાર દિવસ પહેલા શહેરના એક પરિવારની દસ વર્ષની ધોરણ-૫માં ભણતી દિકરીને પિતાએ મોબાઇલ ફોન ન લઇ આપ્‍યો હોઇ માઠુ લાગી જતાં રાત્રીના સમયે પિતાનું એક્‍ટીવા લઇ નીકળી ગયા બાદ ભેદી રીતે ગુમ થઇ ગઇ હતી. શોધખોળ બાદ પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજા દિવસે આ બાળા મળી આવી હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસે વિશેષ નિવેદન માટે બાળાને બોલાવતાં તેણીએ પોતાને હોટેલમાં રૂમ અપાવવામાં મદદ કરવાના બહાને પોતાની સાથે હોટેલમાં વેઇટર તરીકે કામ કરતાં શખ્‍સે માલવીયા ચોકની હોટેલમાં પોતાને લઇ જઇ દૂષ્‍કર્મ આચરી લીધાનું કહેતાં પોલીસે વેઇટરની પકડી લઇ બળાત્‍કાર-પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરાયો છે.

પોલીસે આ બનાવમાં ગૂમ થયેલી સગીરાના પિતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો હતો. હવે તેણી સાથે દૂષ્‍કર્મની વિગતો સામે આવતાં આ ગુનામાં બળાત્‍કાર-પોક્‍સોની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે આરોપી મુળ જામજોધપુરના બાલવાના વતની અને હાલ રાજકોટ રહી કોટેચા ચોકની હોટેલમાં વેઇટર તરીકે નોકરી કરતાં ગોૈતમ જગદીશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી છે. બાળા ગૂમ થયા બાદ મળી આવતાં પોલીસે તેણીનું વિશેષ નિવેદન લીધુ હતું. જેમાં તેણીએ કહ્યું હતું કે પોતે ૨૦મીએ રાતે પિતાનું એક્‍ટીવા લઇ ઘરેથી નીકળી ગઇ હતી. રાતે રૂમની જરૂર હોઇ હોટેલમાં ગઇ હતી. પરંતુ તેને ત્‍યાં રૂમ ન અપાતાં તે બહાર નીકળી ગઇ હતી.

આ વખતે હોટેલમાં કામ કરતો કર્મચારી ગોૈતમ પાછળ આવ્‍યો હતો અને પોતે રૂમ અપાવી દેશે તેમ કહી તેણીને માલવીયા ચોકમાં આવેલી હોટેલ તિલકમાં લઇ ગયો હતો. ત્‍યાં નવમા માળે રૂમ અપાવ્‍યો હતો. આ રૂમમાં તેણીને પોતે મુકવા ગયો હતો ત્‍યારે તેણીએ એકલી જાણી દાનત બગડી હતી અને બાળા સાથે બળજબરીથી એક વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી પોતે નીકળી ગયો હતો.

બનાવ બાદ બાળા પર હોટેલના રૂમેથી નીકળીને માસીના ઘરે પહોંચી ગઇ હતી અને બાદમાં પિતા પાસે પહોંચી હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જનકસિંહ રાણા, પીએસઆઇ જે. જી. જાડેજા, હીરાભાઇ રબારી સહિતની ટીમે ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. વી. પંડયાની રાહબરીમાં બાળાની વિશેષ પુછતાછ કરતાં પોતાની સાથે દૂષ્‍કર્મ આચરાયાની વિગતો જણાવતાં પોલીસે આરોપી ગોૈતમ ચુડાસમાને પકડી લીધો હતો અને કડક કાર્યવાહી કરી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયો છે.

(3:35 pm IST)