Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

દરિયાઇ માર્ગે મોકલેલ માલનો વિમો વ્‍યાજ સાથે ચુકવવા ગ્રાહક ફોરમનો વિમા કંપનીને હુકમ

રાજકોટ તા. ૨૪ : સર્વેયરનો રિપોર્ટ અંતિમ ન ગણી શકાય દરિયાઈ માર્ગે મોકલેલ માલનો વીમો ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ કરાયો હતો.

કેસની હકીકત જોતા રાજકોટની જાણીતી પેઢી ઓમ એગ્રી ઇમ્‍પેક્ષ દ્વારા ૫૦ કિલોની એક એવી મસ્‍ટર્ડ સીડ્‍સ (રાઈ)  ની ૫૦૦ બેગ દરિયાઈ માર્ગે મોકલવામાં આવેલ હતી.  આ માલ મોકલતા પહેલા માલનો વીમો બજાજ એલિયન્‍સ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની પાસેથી લેવામાં આવેલ હતો. વિમા કંપની દ્વારા મરીન કાર્ગો ઇન્‍લેન્‍ડ ટ્રાન્‍ઝિટ સ્‍પેસિફિક વોયેજ પોલીસી હેઠળ વીમો આપી માલ સુરક્ષિત કરવામા આવેલ હતો.

વિમાની શરતો પ્રમાણે માલ મોકલનારે માલનુ યોગ્‍ય  પેકિંગ કરીને ફોરવર્ડિંગ કરવાનું હતુ. સબબ  વીમાધારક દ્વારા આલ્‍ફા ટ્રાન્‍સ કોસ્‍ટલ એક્‍ઝીમ સર્વિસીસ નામની ટ્રાન્‍સપોર્ટ એજન્‍સી મારફત ૫૦ કિલોની એક એવી મસ્‍ટર્ડ સીડ્‍સ (રાઈ) ની ૫૦૦ બેગ દરિયાઈ માર્ગે મોકલવા માટે  ટ્રાન્‍સપોર્ટરને માલ સોપવામાં આવેલ હતો.  ટ્રાન્‍સપોર્ટર દ્વારા તમામ માલને પોલી પ્રોપ્‍લીન બેગની અંદર  કે જેમાં વોટર ડેમેજ પણ ન થઈ શકે એ પ્રકારે માલનું પેકિંગ કરવામાં આવેલ હતું. આમ છતાં માલ ડેસ્‍ટિનેશન ઉપર પહોંચતા માલુમ પડેલ કે ૫૦૦ બેગ પૈકી લગભગ ૮૦-૮૫  બેગને વોટર ડેમેજ થયેલ અને માલ પલળી જતા આશરે રૂા. ૧,૭૦,૦૦૦નુ નુકસાન થયેલ.

વીમા હેઠળ સુરક્ષિત માલને થયેલ નુકસાનનું વળતર મેળવવા માટે વીમાધારક દ્વારા વીમા કંપની સમક્ષ ક્‍લેમ દાખલ કરવામાં આવતા વીમા કંપનીએ એક્‍સક્‍લુઝન ક્‍લોઝ નંબર ૧૭ નો સંદર્ભ ટાંકી કોઈપણ રીતે વોટર ડેમેજ વીમા હેઠળ કવર નથી  તેવું કારણ આપી વીમો ચુકવવામાંથી હાથ ખંખેરી લીધા હતા.

આમ વીમા કંપનીના આવા બેદરકારી ભર્યા વલણથી નારાજ થઈ વીમાધારક મિતેશભાઈ રૂપારેલ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ફરિયાદના કામે રજૂ રાખવામાં આવેલ તથ્‍યો હકીકતો પુરાવાઓ તથા  ફરિયાદ પક્ષે રોકાયેલ વકીલની સચોટ અને ધારદાર લેખિત મૌખિક દલીલ ધ્‍યાને લઈ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) ના પ્રમુખ શ્રી કે એમ દવે તથા સભ્‍યો ટી જે સાંકલા, પી એમ પરીખની બેન્‍ચ દ્વારા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવવામાં આવ્‍યું હતું કે વીમા કંપનીએ વિમા પોલીસી હેઠળ સમાવિષ્ટ જોખમો આધારીત પ્રીમિયમ વસુલ કરેલ હોય ત્‍યારે વીમા કંપની વીમો ન ચૂકવવા અંગેનો નિર્ણય યથાર્થ છે તે સાબિત કરી શકતી નથી જયારે ફરિયાદી પોતાના પક્ષે રજૂ રાખેલ તમામ દસ્‍તાવેજો સહિત પોતાની ફરિયાદ સાબિત કરી રહેલ છે તેથી વીમા કંપનીએ વોટર ડેમેજ માલનુ નુકસાન ચૂકવવુ પડે. વિશેષતઃ જયારે સર્વેયર દ્વારા માલના નુકસાનની આકારણી કરેલ છે અને નુકસાન થયાનુ સાબિત થાય છે ત્‍યારે વિમાધારક ને થયેલ નુકસાન રૂા. ૧૭૦૦૦૦ ફરિયાદ ની તારીખ થી ૯% વ્‍યાજ સાથે એક માસમા વીમાધારકને ચૂકવી આપવા હુકમ કર્યો છે.

આ કામમા ફરિયાદી તરફે એડવોકેટ ગજેન્‍દ્ર જાની, રાજેશ દલ, અજય જોષી, અજય ચાંપાનેરી, કે સી ભોજાણી રોકાયેલ હતા

(5:19 pm IST)