Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ઇતિહાસ રચાયો... મિલકત વેરાની ૩૦૦ કરોડની વસુલાત

ગત વર્ષે ૨૭૨ કરોડની વસુલાત બાદ આ વર્ષે સૌથી વધુ વસુલાત : ૩,૬૬,૨૦૭ કરદાતાઓએ રેકોર્ડ બ્રેક મિલ્‍કત વેરો ભર્યો : વિગતો જાહેર કરતા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષમાં મિલ્‍કત વેરાની વસુલાત રૂ. ૩૦૦ કરોડનાં આંકને ક્રોસ કરી છે. તા. ૧ એપ્રિલ ૨૦૨૨ થી તા. ૨૪ માર્ચ ૨૦૨૩ સુધીમાં રૂ. ૩૦૦.૪૪ કરોડની કુલ વસુલાત વેરા વસુલાત શાખા દ્વારા કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રાજકોટ મહાનગરપાલિકાએ કુલ રૂ. ૨૭૨ કરોડની રકમ પ્રોપર્ટી ટેક્‍સ પેટે વસુલ કરી હતી, તેમ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું. મ્‍યુનિ. કમિશનરશ્રીએ વિશેષ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૩૧૧૦૭૯ કરદાતાઓએ ટેક્‍સ ચૂકવ્‍યો હતો જેની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આજ દિન સુધીમાં કુલ ૩૬૬૨૦૭ કરદાતાઓએ ટેક્‍સ ભરપાઈ કરેલ છે.

 મ્‍યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ર૦ર૨-ર૩ના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્‍યાર સુધીનો સૌથી વધુ રૂ. ૩૦૦ કરોડ ટેકસ વસુલવામાં આવ્‍યો છે. હજુ ૩૧ માર્ચ સુધી ટેકસ વસુલાત ચાલુ છે. ગત વર્ષે ર૦૨૧-૨૨માં રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનને ૨૭૨ કરોડની ટેકસની આવક થઇ હતી. જે હાઇએસ્‍ટ હતી. આ રેકોર્ડ આ વર્ષે તૂટયો છે. આશરે ૨૮ કરોડથી વધુ આવક થઇ છે. રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની આર્થીક હાલત કથળેલી છે ત્‍યારે ટેકસ વસુલાતના આંકડાઓ જાહેર કરી અધિકારીઓ દ્વારા ગર્વ લેવાય રહયું છે.ᅠ

મનપામાં સૌથી વધારે ટેક્ષ કલેકશન અત્‍યાર સુધીમાં રૂ. ૩૦૦ કરોડ થયેલ છે.ᅠઅગાઉ વર્ષ ૨૦૨૧-૨૩ માં રૂ. ૨૭૨ કરોડ વસૂલાત થયેલ. આ વર્ષે સૌથી વધારે ૩,૬૬,૨૦૭ કરદાતાઓએ મિલકત વેરો ભરેલ છે જે એક રેકોર્ડ છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં ૨,૯૨,૨૨૫ કરદાતાઓએ મિલકત વેરો ભરેલ એ વર્ષે નોટબંધી તથા વ્‍યાજમાફી યોજના હતી

(3:27 pm IST)