Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

જીવરાજ પાર્ક પાસે ફલેટ પચાવી પાડવાના ઇરાદે ગાયત્રીબેન જોશીને બે ભાઇએ ધમકી દીધી

ધ કોર્ટયાર્ડમાં ફલેટમાં રહેતી મહિલાની તાલુકા પોલીસમાં ફરિયાદ : હરેશ પઢીયાર અને તેનો ભાઇ અનીલ પઢીયાર સામે ગુનો

રાજકોટ,તા. ૨૪ : કાલાવડ રોડ પર જીવરાજ પાર્કમાં ધ કોર્ટ યાર્ડ એ-વીંગના ફલેટમાં રહેતી મહિલાને બે ભાઇઓએ આ ફલેટમાં નહીં જવા અને ખાલી કરી જતા રહેવા બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ જૂનાગઢના માળીયાહાટીનામાં હાલ જીવરાજ પાર્ક, ધ કોર્ટ યાર્ડ એ-વીંગ, ફલેટ  નં. ૧૨૦૧માં ભાડે રહેતા ગાયત્રીબેન અશોકભાઇ જોશી (ઉ.વ.૩૬) એ તાલુકા પોલીસ મથકમાં હરેશ ગોવુભા પઢીયાર અને તેનો ભાઇ અનીલ ગોવુભા પઢીયાર સામે ફરિયાદ નોંધાવી છે. ગાયત્રીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે જીવરાજ પાર્ક, સીટી કલાસીક, દુકાન નં. ૧૪માં ‘ધ સ્‍ટાઇલ બ્‍યુટી' નામે બ્‍યુટીપાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં રહેતા હરેશ પઢીયાર તેનો ભાઇ અનીલ પઢીયાર બંનેએ પોતાને જણાવેલ કે કરશનભાઇના ફલેટમાં કેમ રહો છો ! ? જે ફલેટ અમે અગાઉ વેચાતો લીધો છે કહી બોલાચાલી કરતા પોતે તેને કહેલ કે ‘આ ફલેટમાં કરશનભાઇ ઘણા વર્ષોથી રહે છે અને તે અમારા યજમાન થતા હોઇ જે સંબંધના નાતે પોતે આ ફલેટમાં રહે છે. ગઇ કાલે પોતે પોતાનું મોટરસાયકલ લઇને ધ કોર્ટ યાર્ડમાં ગેઇટ પાસે પહોંચતા હરેશ અને અનીલ ગેઇટ પાસે ઉભા હતા. બાદ પોતાને રોકેલ અને પોતે ઉભા રહેતા બંનેએ પોતાનું મોટરસાયકલ પકડીને કહેલ કે ‘તમને અગાઉ આ ફલેટમાં રહેવાની ના પાડેલ આ ફલેટ ખાલી કરવાનું કહેલ તેમ છતા તમે અહીં કેમ રહેવા આવો છો તેમ કહી' પોતાને ગાળો આપી દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પોતાને બંનેએ કહેલ કે ‘તું અહીથી ફલેટ ખાલી કરી બીજે રહેવા ચાલી જજે નહીતર તને ફરીવાર અહીં આગળ જોઇ શું તો તને જાનથી મારી નાખશું' તેમ ધમકી આપી ગાળો બોલવા લાગતા ફલેટમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા અને પોતાને બીક લાગતા પોતે પોલીસમાં જાણ કરતા પોલીસની ગાડી આવી જતા પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ આર.જે.ચારણે તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)