Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રમઝાન માસ શરૂ : આ વખતે ૩ વર્ષની પરંપરા તૂટશે - ૨૯ રોઝા થશે

રમઝાન માસનો વિદાય વેળાનો ‘અંતિમ શુક્રવાર' જ રમઝાન માસનો છેલ્લો દિવસ બની રહેવાનો પ્રથમવાર અનોખો સંયોગગત વર્ષ કરતા આ વર્ષે રોઝાના સમયગાળામાં ૧૦ મિનિટનો ઘટાડો થયોશરૂઆતમાં ૧૩ કલાક ૩૮ મિનિટ અને છેલ્લે ૧૪ કલાક ૨૧ મિનિટનો રોઝો રહેશે : ૪૩ મિનિટની વધ ઘટ ઉપર પસાર થશે આખો મહીનો

  રાજકોટ તા. ર૪ :.. ગઇકાલે ગુરૂવારે સાંજે આકાશમાં સ્‍વચ્‍છ ચંદ્ર દર્શન થઇ જતા આજથી મુસ્‍લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતા મુસ્‍લિમ સમાજ બંદગીમય બની ગયો છે.

છેલ્લા કેટલાય દિવસથી હવામાન પલ્‍ટાયેલ છે અને અવારનવાર વાદળીયુ હવામાન રહે છે. ત્‍યારે બીજી તરફ ઇસ્‍લામી પંચાગના ૧ર મહિના ર૯ કે ૩૦ દિવસના હોઇ છે જેમાં ર૯મા દિને ચંદ્રદર્શન થતું હોય છે અને ન થાય તો ૩૦મો દિવસ પુરો કરી જે તે મહિનાની શરૂઆત કરી દેવાય છે.

આ સંજોગોમાં ઇસ્‍લામી પંચાગના ૮ મા મહીના શા'બાનના ગુરૂવારે ૩૦ દિ' પુરા થતા હોઇ ચંદ્ર દર્શનની કોઇ મથામણ નહીં રહેતા ગઇ રાત્રીથી જ રમઝાન માસમાં રાત્રિના વધારાની પઢવામાં આવતી સળંગ (તરાવીહ) નમાઝનો પણ પ્રારંભ થઇ ચૂકયો છે.

બીજી તરફ ર૯મા દિવસે  હવામાનના લીધે બુધવારે સાંજે ચંદ્રદર્શન નહી થતા ૩૦ દિ' પુરા કરવાના લીધે એક દી' મળી જતા મુસ્‍લીમ સમાજને રમઝાન માસની પ્રારંભિક તૈયારીઓ કરવામાં સરળતા રહી હતી.

ખાસ કરીને આ વખતે રમઝાન માસનો પ્રથમ રોઝો શુક્રવારે થતા અને શુક્રવાર મુસ્‍લિમ સમાજમાં સાપ્તાહિક ઇદનો દીવસ ગણાતો હોઇ શુક્રવારના દિવસે જ પ્રથમ રોઝો થતા પહેલા રોઝાએ જ રમઝાન માસનો ધમધમાટ વ્‍યાપી ગયો હતો અને આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ બેવડાઇ ગયો હતો.

એટલું જ નહીં આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની આરે આગામી તા. ર૦ એપ્રિલને ગુરૂવારે ર૮મો રોઝો હશે અને રમઝાન માસના ર૯માં રોઝાએ શુક્રવાર હશે જે કારણે શુક્રવારે ર૯ રોઝા પૂરા થયા બાદ સાંજે જ ચંદ્રદર્શન થવાની  પૂર્ણ સંભાવના હોઇ તા. રર-૪-ર૩ ના રોજ શનિવારે ‘ઇદુલ ફિત્ર' ઉજવવામાં આવે તે પણ નિヘતિ બની રહ્યું છે. અને એ રીતે  શુક્રવારથી રમઝાન માસ શરૂ થઇ શુક્રવારે રોઝા સાથે રમઝાન માસ પૂર્ણ થવાનો  પ્રથમવાર અનેરો સંયોગ સર્જાયો છે.

અત્રે એ નોંધનીય છે કે, સને ર૦૧પ માં રમઝાન માસ શુક્રવારથી શરૂ થયો હતો અને એ વખતે ૩૦ રોઝા પુરા થતા રવિવારે ઇદ ઉજવાઇ હતી તે પછી આજ સુધીમાં શુક્રવારથી કયારેય રમઝાન માસ શરૂ થયો નથી અને આઠ વરસે ફરી શુક્રવારથી રમઝાન માસ શરૂ થયો છે, અને એટલું જ નહીં. પણ ર૯ રોઝા થવાના કારણે શુક્રવારે પૂર્ણ થશે. તેવો અનેરો સંયોગ  છે.

 જેમાં પણ રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો અંતિમ દિવસ બની રહેનાર છે. અને તે પછી શનિવારે ઇદ અને પછી રવિવારે જાહેર રજાના લીધે ઉત્‍સાહ બેવડાઇ જશે.

અત્રે એ નોંધનીય છે કે રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્‍ત વયના મુસ્‍લીમસ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી ‘રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ' જ છે.

બીજી તરફ છેલ્લા ૧પ દિ'થી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે અને આગામી દિવસો માં જ ઉનાળો બરાબર શરૂ થઇ જાય તેવી વકી  છે એ સાથે જ રમઝાન માસ પણ શરૂ થશે આથી ઉનાળો બરાબર તપી જશે જેથી આ વખતે રમઝાનના પ્રારંભ સાથે જ છેવટ સુધી ઉંચુ તાપમાન રહેવાની વકી છે.

આ વખતે રમઝાન માસમાં પાંચ શુક્રવારનો લાભ મળશે.

ખાસ કરીને આ વખતે ચંદ્રદર્શનની સ્‍પષ્‍ટતા વધી છે તેથી આ વર્ષ ર૯ રોઝા  થવાની પૂર્ણ સંભાવના છે. અને છેલ્લા ત્રણ વર્ષથી થતા ૩૦ રોઝાની પરંપરા એ હિસાબે આ વખતે તૂટશે.

જો કે, વર્તારા મુજબ શુક્રવારે સાંજે ર૯માં રોઝાએ ‘તેજમય' ચંદ્ર દર્શન આકાશમાં સ્‍વચ્‍છ રીતે થઇ જશે જેના લીધે પણ શનિવારે ઇદ નિヘતિ છે.

આ ઉપરાંત ગયા વખતે શરૂઆતમાં ૧૪ કલાકને ૯ મિનીટનો રોઝો રહી છેલ્લો ૧૪ કલાક ૩૧ મિનીટનો રોઝો હતો જે આ વખતે શરૂઆતમાં ૧૩ કલાક ૩૮ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૪ કલાક ૨૧ મીનીટનો રોઝો રહેશે. જે જોતા આ વખતે રોઝાનો સમયગાળો આ વખતે ૧૦ મીનીટ ઘટી ગયો છે.

જેમાં પરોઢિયે સહેરીનો સમય દરરોજ ૧ મિનીટ ઘટતો રહેશે શરૂઆતમાં પ.૨૭ નો સમય છેલ્લો ૪.૫૮ નો થશે અને સાંજે ઇફતારીનો સમય વધતો રહેશે શરૂઆતમાં ૭-૦પ નો સમય છેલ્લે ૭-૧પ નો થશે દર ત્રણ દિ'એ સમય વધતો રહેતો હોય આ ઇફતારી  સમય યાદ રાખી શકાશે આમ સહેરીનો સમય ઘટીને ઇફતારીનો સમય લંબાતા આખા માસમાં ૪૩ મીનીટના વધઘટ ઉપર રમઝાન માસ વિતશે.

 રમજાન માસમાં પવિત્ર રાત્રીઓનું પણ મહત્‍વ રહેલ છે જેમાં ર૧ મી રાત્રી તા. ૧ર-૩- બુધવારના ર૩ મી રાત્રી તા. રર-૩- શુક્રવારના, રપ મી રાત્રી તા. ર૪-૩ રવિવારના અને ર૭મી રાત્રી તા. ૧૮-૩ મંગળવારના ત્‍થા ર૯ મી રાત્રિ તા. ર૮-૩- ગુરૂવારના મનાવવામાં આવશે.

રમઝાન માસના અંતિમ શુક્રવારને મુસ્‍લિમો આખરી જુમ્‍આ તરીકે ઓળખે છે જે આ વખતે તા. ર૧-૪-ર૩ ના થશે જેમાં ખુબી એ છે કે આ દિવસે જ ર૯મો રોઝો  હશે જે છેલ્લો રોઝો હશે.

અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે ર૭મો હરણી રોઝો શુક્રવારે થયો હતો. અને આ વખતે શુક્રવાર છેલ્લો શુક્રવાર હોઇ આખરી જુમ્‍આ અને ર૯મો રોઝા (રમઝાનનો છેલ્લો દિવસ) સાથે થઇ ગયાનો અનેરો સંયોગ સર્જાયો છે. (૨૧.૩)

છેલ્લા કેટલાય  દિવસથી મુસ્‍લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસનું આગમન થનાર હોઇ તૈયારીઓનો ધમધમાટ રહ્યો હતો પરંતુ વિશ્વના અનેક ભાગમાં હવામાન બદલાયેલું છે તેમ સૌરાષ્‍ટ્ર સહિત ભારતમાં પણ છેલ્લા કેટલાય દિવસથી અવારનવાર કમોસમી વરસાદ કયાંક ને કયાંક વરસી રહ્યો છે. જેથી આકાશમાં સતત વાદળા છવાયેલા રહે છે. ગત તા. ૧૬-૩-ર૦ર૩ ગુરૂવારના રોજ આ પરિસ્‍થિતિમાં ‘અકિલા' દૈનિકમાં રમઝાન માસ તા. ર૪-૩-ર૦ર૩ ‘શુક્રવાર' થી શરૂ થશે જે અંગેનો ‘ફાઇખ' લિખિત પૂર્વ અહેવાલ પવિત્ર માસ શરૂ થવાના ૮ દીવસ પહેલાં પ્રસિધ્‍ધ થયો હતો. ત્‍યારે ઇસ્‍લામી પંચાગના શાબાન માસના ર૯મા દિવસે ગત બુધવારે  સાંજે ભારતભરમાં કયાંય ચંદ્રદર્શન નહી થતા આજથી રોઝાનો પ્રારંભ થયો છે. જે અકિલાનો અહેવાલ પરંપરા ગત વધુ એકવાર સચોટ પૂરવાર થયો છે જેની પ્રતિકૃતિ અહીં રજૂ છે.

(12:37 pm IST)