Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટના ક્ષત્રિય એડવોકેટ ધીરૂભાઇ ખાચરની ફાયરીંગ કરી હત્‍યા કરવા અંગે પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

જસદણના ભડલી ગામે આરોપી જુની અદાવતના કારણે કાકા કરણ અને પિતરાઇભાઇ સિધ્‍ધરાજ ખાચરે ફાયરીંગ કરીને ધીરૂભાઇની હત્‍યા કરી હતીઃ કબ્‍જે થયેલ રિવોલ્‍વરમાંથી ફાયરીંગ થયાનું પુરવાર થતુ નથીઃ કોર્ટ

 

 

રાજકોટ તા. ર૩ :.. કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી એડવોકેટ ધીરૂભાઇ ખાચરની હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો રાજકોટની સેશન્‍સ અદાલતે ફરમાવેલ છે.

આ બનાવની હકિકત એવી છે કે, રાજકોટ ખાતે વકીલાતનો વ્‍યવસાય કરતા અને મુળ ભડલી ગામના રહેવાસી અને કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી એડવોકેટ ધીરૂભાઇ ગભરૂભાઇ ખાચરની સને ર૦૧૮ ની સાલમા હત્‍યા થયેલ હતી. ગત તા. ૬-૬-ર૦૧૮ ના રોજ સાંજના સમયે આઠેક વાગ્‍યે ધીરૂભાઇ પોતાની જીપ્‍સી કાર લઇને ભડલી ગામમાં રામજી મંદિર પાસેથી નીકળેલ તે સમયે આ કેસના આરોપીઓએ બંદુકોમાંથી ધીરૂભાઇ ઉપર આડેધડ ફાયરીંગ કરેલ જેમાં ધીરૂભાઇને કાન પાસે ઇજા થતા તેઓ ઉતરીને બચવા માટે રામજી મંદિર પાસે આવેલ બાબુભાઇ ઝાપડીયાની દૂધની ડેરીમાં જતા રહેલ. પરંતુ આરોપીઓએ ત્‍યાં તેમનો પીછો કરી ફરીથી ધીરૂભાઇ ઉપર આશરે પ થી ૬ રાઉન્‍ડ ફાયરીંગ કરેલ તેમાં ધીરૂભાઇને ગોળીઓ લાગી જતા લોહીલુહાણ હાલતમાં દૂધની ડેરીમાં પડી ગયેલ.

તેમને માથામાં, મોઢા ઉપર, છાતીના ભાગે ગોળીઓના કારણે ઇજા થયેલ. તેમની હત્‍યા કરીને આરોપીઓ નાસી છૂટેલ.

ત્‍યારબાદ ધીરૂભાઇના પુત્રએ આ અંગેની ફરીયાદ જસદણ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ. જેમાં તેણે તેમના કાકા કરણભાઇ ગભરૂભાઇ ખાચર અને પિતરાઇ ભાઇ સિધ્‍ધરાજ રાજૂભાઇ ખાચર વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ. આ ગુન્‍હામાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરેલ અને ગુન્‍હામાં વાપરેલ હથિયારો કબ્‍જે કરી કોર્ટમાં તપાસના અંતે ચાર્જશીટ કરેલ હતું.

આ કેસમાં બન્ને આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર આર. બસીયા રોકાયેલ હતાં. આ કેસમાં કુલ ૩૦ મૌખિક અને ર૭ દસ્‍તાવેજી પુરાવાઓને તપાસવામાં આવેલ. આ કેસમાં આરોપીના એડવોકેટની મુખ્‍ય દલીલ એવી હતી કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નથી. બેલેસ્‍ટીકના ઓપીનીયન મુજબ પણ મુદામાલ વાળા હથિયારોમાંથી ફાયરીંગ થયેલ હોવાનું સાબિત કરી શકેલ નથી.

ફકત ફાયર આર્મ્‍સની રિકવરી માત્રથી કોઇ વ્‍યકિતને ગુન્‍હેગાર ઠેરવી શકાય નહીં. જે જગ્‍યાએ દૂધની ડેરીમાં બનાવ બનેલ છે તે ડેરીના માલીક ફરીયાદ પક્ષને ટેકો આપતા નથી. રાત્રીનો બનાવ હોય લાઇટની વ્‍યવસ્‍થા હોય તેવું રેકર્ડ ઉપર આવી શકેલ નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની વિશદ છણાવટ કરવામાં આવેલ અને બચાવ પક્ષના એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખી રાજકોટ સેશન્‍સ કોર્ટે કરણભાઇ ગભરૂભાઇ ખાચર અને સિધ્‍ધરાજ રાજૂભાઇ ખાચરને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં બન્ને આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર આર. બસીયા રોકાયેલ હતાં.

 

 

 

 

(5:06 pm IST)