Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હરિદ્વારથી પિતૃ મોક્ષાર્થની કથા પુરી કરીને આવ્‍યા ત્‍યાં જ ભાણવડના વૃધ્‍ધનું રાજકોટમાં બસની ઠોકરે મોત

વહેલી સવારે રાજકોટના અમદાવાદ હાઇવે આશિર્વાદ હોટેલ પર ચા-પાણી પીવા ઉભા રહ્યા ત્‍યારે ૭૦ વર્ષના ભગવાનજીભાઇ મધુડીયા ખાનગી ટ્રાવેલ્‍સની બસની ઠોકરે ચડી ગયાઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: જિંદગીની સફરનો અંત ક્‍યારે ક્‍યાં અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. ભાણવડ રહેતાં વૃધ્‍ધ પરિવારજનો, કુટુંબીજનો સાથે હરિદ્વાર ખાતે પિતૃ મોક્ષાર્થે યોજાયેલી કથા પુરી કરીને આવ્‍યા ત્‍યાં જ આજે વહેલી સવારે રાજકોટના અમદાવાદ હાઇવે પરની હોટેલ ખાતે ચા પાણી પીવા હોલ્‍ટ થયા ત્‍યારે એક ખાનગી ટ્રાવેલ્‍સ બસની ઠોકરે ચડી જતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ દેવભુમિ દ્વારકાના ભાણવડમાં રણજીતપરા ખાતે રહેતાં ભગવાનજીભાઇ નારણભાઇ મધુડીયા (ઉ.વ.૭૦) સવારે પોણા ચારેક વાગ્‍યે કુવાડવા નજીક આશીર્વાદ હોટેલના કમ્‍પાઉન્‍ડમાં હતાં ત્‍યારે સદ્દગુરૂ ટ્રાવેલ્‍સની બસ નં. જીજે૦૩બીવી-૩૭૦૦ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં એરપોર્ટ પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ભગવાનજીભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. મધુડીયા પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે પિતૃ મોક્ષાર્થે કથા બેસાડવામાં આવી હોઇ બધા ત્‍યાં ગયા હતાં. ૧૨મીએ કથાઆરંભ થયો હતો અને ૧૯મીએ પુર્ણાહુીત થતાં બધા ભાડે બાંધેલી બસ મારફત ભાણવડ જવા રવાના થયા હતાં. દરમિયાન આજે વહેલી સવારે બસ રાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટેલ ખાતે ચા પાણી માટે હોલ્‍ટ થઇ હતી.

બધા પોતપોતાની રીતે બસમાંથી ઉતર્યા હતાં. એ વખતે ભગવાનજીભાઇ ખાનગી ટ્રાવેલ્‍સ બસની ઠોકરે આવી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પણ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(5:18 pm IST)