Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લે બોલ...રાજકોટમાં કેશ ડિપોઝીટ મશીનમાં કો'ક ૫૦૦ની ૧૧ નકલી નોટ જમા કરી ગયું!

ધરમ સિનેમા પાસે આઇસીઆઇસીઆઇ બેંકમાં બનાવઃ કેશ મેનેજરે ફરિયાદ નોંધાવીઃ અવાર-નવાર જુદી-જુદી બેંકોના ભરણામાંથી નકલી નોટો નીકળતી રહે છે

રાજકોટ તા.૨૪: શહેરની જુદી-જુદી બેંકોના ભરણામાં અવાર-નવાર કોઇને કોઇ ગ્રાહકો નકલી ચલણી નોટો ધાબડી જાય છે. ગયા મહિને જ ૧૦,૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦, ૨૦૦૦ના દરની નકલી નોટો ભરણામાંથી નીકળ્યાનો ગુનો નોંધાયો હતો. ત્યાં હવે ધરમ સિનેમા પાસે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં કેશ ડિપોઝીટ મશીનમાં કો'ક રૂ. ૫૦૦ની ૧૧ બનાવટી નોટ ભરી જતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

પ્ર.નગરના પી.એસ.આઇ. યુ. બી. જોગરાણાએ રૈયા રોડ પર શ્રીરામ કોટેજ માધવ રેસિડેન્સીની બાજુમાં રહેતાં મુળ બિહારની અને હાલ રાજકોટ આઇસીઆઇસીઆઇ બેંકમાં કેશ મેનેજર તરીકે ફરજ બજાવતાં અભિષેકભાઇ શંકરપ્રસાદ ગુપ્તા (ઉ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્યા ગ્રાહક સામે આઇપીસી ૪૮૯ (ખ) મુજબ ગુનો નોંધ્યો છે.

અભિષેકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આઇસીઆઇસીઆઇ બેંકમાં ચારેક માસથી નોકરી કરુ છું. અમારી બેંકમાં કેશ ડિપોઝીટ મશીન આવેલુ છે. જેમાં ગ્રાહકો રકમ જમા કરી જાય છે અને ઉપાડ પણ કરે છે. આ રકમની ગણતરી અમે દરરોજ સાંજે કરીએ છીએ. મશીનમાં એક એવુ ખાનુ પણ છે જે અમાન્ય નોટ અલગ પાડી લે છે. ૧૯/૩ના સાંજે હું નોકરી પર હતો ત્યારે અમારા કેશીયરે આવીને કહેલ કે કેશ ડિપોઝીટ મશીનના અમાન્ય ખાનામાંથી રૂ. ૫૦૦ના દરની ૧૧ નકલી નોટો નીકળી છે. આથી મેં ઉપરી અીધકારીને જાણ કરી હતી. આરબીઆઇના નિયમ મુજબ અમારે ફરિયાદ નોંધાવવી જરૂરી હોઇ જેથી પ્ર.નગર પોલીસમાં જાણ કરી છે.

પોલીસે ગુનો દાખલ કરતાં આગળની તપાસ એસઓજી પી.આઇ. એસ. એન. ગડુ અને સ્ટાફે હાથ ધરી છે.

(1:09 pm IST)