Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

લાલપરીમાં ડ્રાઇવર શોધવા ગયેલા સંજય ઉર્ફ વિરમને ચાર જણાએ ધોકાવતાં બેભાન

ભાનમાં આવતાં હોસ્પિટલમાં ખસેડાયોઃ એક મહિના પહેલા મુસાફરો ભરવા માટે થયેલી માથાકુટમાં ભીમો, રાહુલ, લાલો અને સુરેશનો હુમલો

રાજકોટ તા. ૨૪: કારમાં મુસાફરો ભરવા મામલે એક મહિના પહેલા થયલી માથાકુટનો ખાર રાખી શિવનગરના યુવાને તે ડ્રાઇવર શોધવા લાલપરી ભૈયાવાડીમાં જતો હતો ત્યારે ચાર શખ્સોએ આંતરી બેફામ માર મારતાં બેભાન થઇ પડી ગયો હતો. પોલીસે તેની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે આ બનાવમાં કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવપાનવાળી શિવનગર સોસાયટી શેરી નં. ૨માં રહેતાં અને ફોરવ્હીલનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં સંજય ઉર્ફ વિરમ સીંધાભાઇ સાનીયા (ભરવાડ)  (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ભીમો બાંભવા, રાહુલ બાંભવા, લાલો સિરોદીયા અને સુરેશ પાંચીયા સામે ગુનો નોંધ્યો છે.

સંજયના કહેવા મુજબ તે મંગળવારે સાંજે સાડા આઠેક વાગ્યે સામાજીક કારણોસર બહારગામ જવાનું હોઇ શેઠની ફોરવ્હીલ  માટે બીજા ડ્રાઇવરને શોધવા દેવા રાઠોડ તથા ઘનશ્યામ મુંધવાને ફોન કરી ડ્રાઇવર માટે પુછતાછ કરી હતી. તેણે લાલપરીની ભૈયાવાડીમાં ડ્રાઇવરની તપાસ કરવા જણાવ્યું હતું.

આથી પોતે લાલપરી ભૈયાવાડીમાં જતો હતો ત્યારે રસ્તામાં ભીમો, રાહુલ, લાલો અને સુરેશ મળ્યા હતાં. આ લોકો પૈકીના ભીમાના ડ્રાઇવર સાથે એકાદ મહિના પહેલા કારમાં મુસાફરો ભરવા મામલે ગ્રીનલેન્ડ ચોકડીએ બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી આ ચારેયએ ધોકા-પાઇપથી હુમલો કરી માર માર્યો હતો. જેના કારણે હાથ-પગ-શરીરે ઇજાઓ થઇ હતી. ચક્કર આવતાં પડી ગયો હતો. એ પછી ભાનમાં આવતાં મને સારવાર માટે ખસેડાયો હતો.

બી-ડિવીઝનના હેડકોન્સ. વી. કે. સોલંકીએ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(11:55 am IST)