Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જુનાગઢના દર્શન ભટ્ટની રાજકોટમાં બેફામ ધોલધપાટઃ પટ્ટા-ઢીકાપાટુનો માર, પછાડીને પગ મચકોડી નાંખ્યો

મિત્રની બહેન સામે જોતાં પટેલ શખ્સને ઠપકો આપતાં તેણે બે મિત્રો સાથે મળી હુમલો કર્યોઃ ગેરેજ સંચાલક બ્રિજેશ પટેલ, તેના મિત્રો પૃથ્વીરાજ ચોૈહાણ અને વિશાલ મુળીએ માયાણી ચોકથી બેકબોન શોપીંગ સેન્ટર પાસે લઇ જઇ હુમલો કર્યોઃ માથામાં પટ્ટાનું બક્કલ લાગતાં લોહીલુહાણ

રાજકોટ તા. ૨૪: મુળ જુનાગઢના હાલ રાજકોટ રહી નોકરીની શોધ કરતાં બ્રાહ્મણ યુવાનના મિત્રની બહેન સામે માયાણી ચોકમાં ગેરેજ ધરાવતો પટેલ શખ્સ જોતો હોઇ તેને ઠપકો આપતાં આ પટેલ શખ્સ અને બીજા બે જણાએ તેને ચંદ્રેશનગર રોડ પર બેકબોન શોપીંગ સેન્ટર પાસે લઇ જઇ પટ્ટાથી અને ઢીકા-પાટુનો બેફામ માર મારી તેમજ માથે ચડી જઇ પગ મચકોડી નાંખતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે અંકુર નગર મેઇન રોડ જલજીત પાસે સાઇધામ સોસાયટી-૫માં ભાડેથી રહેતાં દર્શન નિલેષભાઇ ભટ્ટ (ઉ.૨૦) નામના મુળ જુનાગઢના બ્રાહ્મણ યુવાનની ફરિયાદ પરથી બ્રિજેશ પટેલ, પૃથ્વીરાજસિંહ ચોૈહાણ અને વિશાલ મુળી સામે ગુનો નોંધ્યો છે.

દર્શને ફરિયાદમાં જણાવ્યું છે કે હું અગાઉ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને હાલમાં નોકરીની શોધખોળમાં છું. રવિવારે સાંજે આઠેક વાગ્યે હું મારા મિત્ર અમિત નિરજભાઇ ભટ્ટની કટલેરીની દૂકાન કે જે  માયાણી ચોકમાં છે ત્યાં હતો. તેની સામે જ બ્રિજેશ પટેલનું શિવમ્ ગેરેજ આવેલુ છે. ત્યાં તેની સાથે પૃથ્વીરાજ ચોૈહાણ અને વિશાલ મુળી પણ હતાં. બ્રિજેશે પટેલ મારા મિત્રની બહેનની સામે જોતો હોઇ જેથી મેં તેને આ બાબતે ઠપકો આપતાં તેને ન ગમતાં જેમ તેમ બોલવા માંડ્યા હતાં અને મને 'તું અમારી સાથે ચાલ' કહી બેકબોન શોપીંગ સેન્ટર પાસે લઇ ગયા હતાં. મારી સાથે મારા મિત્રો અમિત ભટ્ટ અને સોહમ પટેલ પણ હતાં.

ત્યારબાદ બ્રિજેશ સહિતના ઉશ્કેરાઇ ગયા હતાં અને બેફામ ગાળો બોલવા માંડ્યા હતાં. વિશાલે લોખંડના બક્કલવાળો ચામડાનો પટ્ટો મને મારતાં માથામાંથી લોહી નીકળવા માંડ્યા હતાં. એ પછી ત્રણેયએ ભેગા થઇ મને જમીન પર પાડી દીધો હતો અને મારી ઉપર ચડી જઇ ઢીકાપાટુ મારવા માંડ્યા હતાં. મારો પગ મચકોડી નાંખ્યો હતો. મેં રાડો પાડતાં મારા મિત્રો અને બીજા માણસો દોડી આવ્યા હતાં. ઝપાઝપીમાં મારો સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિ રિપોર્ટ થતાં ડાબા પગે ફ્રેકચર હોવાનું જણાયું હતું. મારા મિત્ર અમિત ભટ્ટની બહેન સામે બ્રિજેશ જોતો હોઇ ઠપકો આપતાં આ હુમલો થયો હતો.

માલવીયાનગરના એએસઆઇ એસ. બી. પરમારે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)