Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મેસવડામાં હુમલામાં ઘાયલ માતાજીના ભુવા મેરાભાઇ સાંગડીયા (ભરવાડ)નું મોતઃ બનાવ હત્યામાં પરિણમ્યો

એક મહિના પહેલા હકા કોળીએ ડેરી પાસે મહિલા ગ્રાહકોની હાજરીમાં ગાળો બોલી હોઇ તેને ઠપકો અપાતાં મનદુઃખમાં ૧૮મીએ હુમલો થયો'તોઃ ગામના જ હકા કોળીએ પિતા ખિમજી સાથે મળી છરીના ઘા ઝીંકી દૂકાનમાં પથ્થરમારો પણ કર્યો'તોઃઆરોપીઓને ક્રાઇમ બ્રાંચે પકડી લેતાં જેલહવાલે થયા હતાં: મેરાભાઇની હત્યાથી ૬ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

હત્યાનો ભોગ બનેલા મેરાભાઇ સાંગડીયાનો ફાઇલ ફોટો અને હત્યા સબબ પકડાયેલા કાનજી ઉર્ફ હમો અને તેના પિતા ખીમજી વીરજી બાવળીયા નજરે પડે છે. આ બંને જેલહવાલે થયા છે

રાજકોટ તા. ૨૪: કુવાડવાના મેસવડામાં રહેતાં અને દૂધની ડેરી ચલાવી ખેતી કરી ગુજરાન ચલાવતાં તેમજ ભરવાડ (સાંગડીયા) કુટુંબના મેલડી માતાજીના ભુવા મેરાભાઇ નાથાભાઇ સાંગડીયા (ઉ.૫૦) પર ૧૭/૨ના રોજ ગામના જ કોળી શખ્સ હકા અને તેના પિતા ખીમજી બાવળીયાએ હુમલો કરી છરીના ઘા ઝીંકી  દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળ હતાં. ખાનગી હોસ્પિટલમાં મેરાભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અગાઉ હકો ડેરી પાસે મહિલા ગ્રાહકોની હાજરીમાં ગાળો બોલતો હોઇ તેને મેરાભાઇના ભાઇએ ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું હતું. ઓરોપી પિતા-પુત્રને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. હાલ બંને જેલહવાલે છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે હુમલામાં ગંભીર રીતે ઘાયલ મેરાભાઇના પુત્ર  નવઘણ મેરાભાઇ સાંગડીયા (ભરવાડ) (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી મેસવડાના જ હકા ખીમજીભાઇ બાવળીયા (કોળી) તથા તેના પિતા ખીમજી વિરજીભાઇ બાવળીયા વિરૂધ્ધ આઇપીસી ૩૦૭, ૩૩૭, ૪૨૭, ૧૧૪, ૩૨૩, ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

નવઘણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મેસવડામાં  શ્રી મેસવડા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ડેરી ચલાવે છે. ૧૭મીએ સોમવારે સાંજે છએક વાગ્યે પોતે ડેરી ખોલીને બેઠો હતો ત્યારે ગ્રાહક દૂધ ભરાવવા આવ્યા હતાં. સાંજે પોણા આઠેક વાગ્યે ડેરીએ પારસ દેવાભાઇ સાંગડીયા અને કાળુભાઇ જહાભાઇ સાંગડીયા દૂધ ભરાવવા આવ્યા હતાં. આ વખતે અમારા ગામનો હકો ખીમજીભાઇ બાવળીયા (કોળી)  ડેરીને સામે આવ્યો હતો.

આ હકો અગાઉ એકાદ મહિના પહેલા ડેરીએ મહિલા ગ્રાહકો દૂધ લેવા આવેલી ત્યારે અપશબ્દો બોલ્યો હોઇ જેથી તે વખતે કાકા વાલાભાઇ નાથાભાઇ સાંગડીયાએ તેને ઠપકો આપ્યો હતો. આ કારણે તે મનદુઃખ રાખીને ફરતો હતો અને અવાર-નવાર અમારી ડેરી સામે સીનસપાટા કરવા આવતો હતો. સોમવારે સાંજે પણ તેણે ડેરીની સામે ઉભા રહી પથ્થરોના ઘા કરવાનું ચાલુ કરતાં મારી ડેરીમાં કોમ્પ્યુટર સ્ક્રીન અને વજનકાંટા તૂટી ગયા હતાં. બીજા પથ્થરોના ઘા મારા કુટુંબી કાકા કાળુભાઇને પીઠના ભાગે લાગી ગયા હતાં. આ કારણે તે પડી ગયા હતાં.

દેકારો થતાં નવઘણના પિતાજી મેરાભાઇ નાથાભાઇ સાંગડીયા દોડી આવ્યા હતાં. તે હકાને અટકાવવા જતાં હકાએ પોતાની પાસે છુપાવેલી છરી કાઢી હતી અને મારા પિતાજીને છાતીમાં જમણી બાજુ બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. હકાની સાથે તેના પિતા ખીમજીભાઇ પણ ઉભા હતાં. હુમલો થતાં મેરાભાઇ પડી જતાં હકો અને તેના પિતા ભાગી ગયા હતાં. મેરાભાઇ લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયા હતાં. સરપંચ હસમુખભાઇ આવી જતાં ૧૦૮ મારફત મેરાભાઇ અને કાળુભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. ત્યાંથી મેરાભાઇને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં ગઇકાલે તેમણે અંતિમશ્વાસ લેતાં બનાવ ખૂનમાં પલ્ટાયો છે.  હત્યાનો ભોગ બનેલા મેરાભાઇ સાંગડીયા (ભરવાડ) કુટુંબના મેલડી માતાજીના ભુવા હતાં અને પુત્ર સાથે ડેરીએ પણ બેસતાં હતાં. તેમની હત્યાથી ચાર પુત્ર અને બે પુત્રી મળી છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ કાનજી ઉર્ફ હકો ખીમજીભાઇ બાવળીયા (કોળી) (ઉ.૩૫) અન તેના પિતા ખીમજી વીરજીભાઇ બાવળીયા (ઉ.૫૫)ને ક્રાઇમ બ્રાંચે બેટીના પાટીયા પાસેથી દબોચી કુવાડવા પોલીસને સોંપ્યા હતાં. બંને હાલ જેલહવાલે છે. પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સહિતે અગાઉના ૩૦૭ના ગુનામાં કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો.

(12:59 pm IST)