Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

સામા કાંઠાના ૭ સોના-ચાંદીના વેપારીઓ સાથે મુંબઇ-રાજકોટના ૭ શખ્સોની ટોળકીની ૧ કરોડ ૨૧ લાખની ઠગાઇ

પોતાને મુંબઇનો પોલીસ કર્મચારી કહેનાર ખેમરાજ ભટ્ટ પણ કામ પતાવી દેવાની લાલચ આપી ૧૨ લાખ લઇ ગયો!

રાજકોટઃ સામા કાંઠાના સોના-ચાંદીના સાત વેપારીઓ સાથે રાજકોટ, મુંબઇના ૭ ગઠીયાઓએ મળી વિશ્વાસ-વચન આપી રૂ. ૧ કરોડ ૨૧ લાખના દાગીના અને રૂ. ૧૨ લાખ રોકડા લઇ જઇ કુલ રૂ. ૧,૩૩,૦૭,૨૮૦ની ઠગાઇ કર્યાનો મામલો સામે આવતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે પોલીસે સામા કાંઠે પેડક રોડ પર સિતારામ સોસાયટી-૧માં રહેતાં બિપીનભાઇ ગણેશભાઇ તળપદા (પટેલ) (ઉ.૨૭)ની ફરિયાદ પરથી મુંબઇ મીરા રોડ પર રહેતાં યશપાલ આર. ચોૈહાણ, કેતન પંચાલ, રાજકોટના હરેશ સોની, નિલેષ સોની, શૈલેષ સોની, મુળ રાજકોટના જાળીયાના અને હાલ ગાંધીધામ રહેતાં રસિક ઉંધાડ તથા મુંબઇના ખેમરાજ ભટ્ટ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકોટના રસિક ઉંધાડે મુંબઇના યશપાલ ચોૈહાણ સહિતનાને મોટા વેપારીઓ તરીકે રજૂ કરી ફરિયાદી બિપીન પટેલ તથા બીજા છ વેપારીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. પારંભે આ બધાએ દાગીના ખરીદ કરી  રોકડ ચુકવી દેતાં વેપારીઓને વિશ્વાસ બેઠો હતો. એ પછી આ બધાએ કાવત્રુ ઘડી સાત વેપારીઓ પાસેથી રૂ. ૧ કરોડ ૨૧ લાખના દાગીના મેળવી લઇ પૈસા ન ચુકવી ઠગાઇ કરી હતી. પ્રકરણ મુંબઇ સુધી પહોંચતા ત્યાંનો ખેમરાજ ભટ્ટ કરીને એક વ્યકિત રાજકોટ આવ્યો હતો અને અને તેણે પોતે મુંબઇ પોલીસમાં હોવાનું કહી છેતરાયેલા વેપારીઓને દાગીના અપાવી દેશે તેવો વિશ્વાસ આપી આ કામના બદલામાં રૂ. ૧૨ લાખનો ખર્ચ થશે તેમ કહી રૂા. બાર લાખ વધારાના લઇ લીધા હતાં. પરંતુ એક વર્ષનો સમય વિતી જવા થતાં કોઇ કાર્યવાહી ન થતાં અંતે છેતરાયેલા વેપારીઓએ બી-ડિવીઝનમાં ફરિયાદ કરતાં પી.આઇ. એમ. આર. પરમાર અને ટીમે તપાસ શરૂ કરી છે.

(12:42 pm IST)