Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

મંગળથી ગુરૂ ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે

ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ પડશેઃ સોમ - મંગળ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના સિમીત વિસ્તારોમાં છાંટાછુટીની સંભાવના : પવનની દિશા ફર્યા કરશે : તા.૨૫-૨૬ સવારે ભેજનું પ્રમાણ વધારે રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ, તા. ૨૩ : આગામી સપ્તાહમાં ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ પડશે. જેથી સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતમાં તા.૨૫-૨૬ દરમિયાન સિમીત વિસ્તારોમાં કયાંક કયાંક છાંટાછુટીની સંભાવના હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

હાલમાં તાપમાન નોર્મલ આસપાસ રહે છે. જેમ કે અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૨.૧ (નોર્મલ) અને આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૪ ડિગ્રી (નોર્મલથી એક ડિગ્રી નીચુ), રાજકોટ ૩૨.૫ ડિગ્રી (નોર્મલથી ઉંચુ), ન્યુનતમ ૧૭.૧ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), સુરત - ૩૨.૮ ડિગ્રી (નોર્મલ), ન્યુનતમ ૧૯.૪ નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) હાલમાં રાજકોટમાં નોર્મલ તાપમાન મહત્તમ ૩૨ ડિગ્રી અને નોર્મલ ૧૬ ડિગ્રી ગણાય.

આવતીકાલે ઉત્તર પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જે ૨૫મીએ  ઉત્તર ભારતમાં અસર કરશે. સાથોસાથ સળંગ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી તા.૨૫-૨૬-૨૭-૨૮ ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં તેમજ રાજસ્થાન અને પશ્ચિમ એમપીમાં પણ અસર જોવા મળશે.

ગુપ્ત અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતમાં તા.૨૫-૨૬ (સોમ-મંગળ) કયાંક કયાંક સિમીત વિસ્તારોમાં છાંટાછુટીની સંભાવના છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૨૩ થી ૨ માર્ચ સુધીની આગાહી કરતા જણાવે છે કે તા.૨૩ થી ૨૫ મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ રહેશે. તા.૨૬-૨૭-૨૮ (મંગળ-બુધ-ગુરૂ) તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. સવારે અને સાંજે ગુલાબી ઠંડી તેમજ દિવસ દરમિયાન પણ ગરમીનો અહેસાસ નહિં થાય. બાદ તા.૧-૨ માર્ચના તાપમાન નોર્મલ કે તેનાથી ઉપર આવી જશે. હાલમાં પવન ઉત્તરના છે. આવતીકાલથી પવન ફરી પશ્ચિમી થશે. તા.૨૭-૨૮ () નોર્થ વેસ્ટ, તા.૨ના ફરી પશ્ચિમી પવન ફૂંકાશે. તા.૨૫-૨૬ના સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે. પરંતુ ઝાકળની શકયતા બહુ સિમિત વિસ્તારોમાં રહેશે.  આજે ઘણા વિસ્તારોમાં વાદળા જોવા મળે છે. આ વાદળો પૂર્વ તરફ જાય છે. આજનો દિવસ વાદળા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ફરી વાદળોની અસર જોવા મળશે. (૩૭.૭)

(3:40 pm IST)