Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જુના ગીતો લોકોના દિલ સુધી પહોંચતાઃ બેલા સુલેખા ગુજરાતમાં મુકેશજીના ચાહકો સૌથી વધુઃ સલીમ મલીક

રાત્રે સુરીલી શામ રાષ્ટ્ર કે નામ રજુ કરનાર કલાકારો હેમાલી સેજપાલ, કવિતા મુર્તિ, સલીમ મલીક, સંજય સાવંત, સંજય મરાઠા સહીતનાએ પોતાની કારકીર્દી વર્ણવી

રાજકોટ, તા., ર૪: રાજય કક્ષાના પ્રજાસતાક પર્વની રાજકોટમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે રાત્રે ૮ વાગ્યે મહાનગર પાલીકા દ્વારા વિરાણી હાઇસ્કુલના મેદાનમાં સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દિગ્ગજ કલાકારો ગીત સંગીતની મહેફીલ જમાવશે.

આજે અકિલા કાર્યાલયે અકિલા ફેસબુક લાઇવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમમાં પોતાનો સુર રજુ કરનાર ગાયીકા બેલા સુલેખાએ જણાવ્યું હતું કે જુના ગીતો લોકોના દિલ સુધી પહોંચતા હતા. ગાયકો ગીતો શીખીને પછી ગાયન કરતા હતા. લતા મંગેશકર, આશા ભોંસલે સહીતના ગાયીકાઓ પહેલા ગીતને શીખીને પછી ગાયન કરતા હતા.

બેલા સુલેખાએ વધુમાં જણાવ્યું હતું કે આપણા ભાગ્ય છે કે આપણે લતા મંગેશકર, આશા ભોંસલે જેવા દિગ્ગજ ગાયીકાઓના ગીતો સાંભળવાનો મોકો મળી રહયો છે.

આ કાર્યક્રમમાં પોતાનો સ્વર રજૂ કરનાર અમદાવાદના ગાયક અને મુકેશજીના ગીતો રજુ કરનાર સલીમ મલીકે જણાવ્યું હતું કે ગુજરાતમાં મુકેશજીનાં ચાહકો ખુબ જ છે. ગીત-સંગીતનાં સારા શો ખુબ જ ઓછા થાય છે. રાજકોટમાં યોજનાર સૂરીલી શામ રાષ્ટ્ર કે નામ આવો જ એક કાર્યક્રમ છે. જેને લોકો મન ભરીને  માણશે.

આજે આ કાર્યક્રમમાં કોરસનું સંચાલન કરનાર શોભાબેન સાવંતે જણાવ્યુ઼ હતું કે અનેક ગાયકો સાથે કોરસના રૂપમાં ગાવાની તક મળી છે. ફિલ્મ અને ગાયન ક્ષેત્રે સારૂ ગાનારની જરૂર જ હોય છે.

હિમાલી સેજપાલ, કવિતા મુર્તિ, સલીમ મલીક, સંજય સાવંત, સંજય મરાઠા સહીતનાએ અકિલા લાઇવમાં જણાવ્યું હતું કે સુરીલી શામ રાષ્ટ્ર કે નામ એક કાર્યક્રમ રાજકોટવાસીઓના દિલમાં વસી જશે. (૪.૧૪)

શંકર જયકિશન સાથે સંગીત આપનાર વાયોલીન વાદક આજે રાજકોટમાં

શંકર-જયકિશન સાથે તેમજ દિગ્ગજજ કલાકારો સાથે અનેક ગીતોમાં બાયોલીન વગાડી પોતાની કલાનો પરિચય આપનાર વાયોલીન વાદક આજના પ્રોગ્રામમાં પણ વાયોલીન વગાડી રાજકોટીયન્સને ૬૦ના દશકાની સફરે લઇ જશે.

બેલાજીએ જણાવ્યું હતું કે, નાનપણથી પ્રોગ્રામ આપું છું તેમાંય ગુજરાતના લોકો જુના સંગીતના દર્દી લોકો છે. ખૂબજ શોખીન છે. તેમાંય આજના પ્રોગ્રામમાં ખાસ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ' ફિલ્મમાં તેમજ શંકર-જયકિશન સાથે અનેક ફિલ્મોમાં વાયોલીન વગાડનાર કલાકાર આજે તેની કલા પીરસશે. જૂના ગીતો સાંભળવાના શોખીનો છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે રાજકોટ જૂના ગીતોના રંગે રંગાઇ જશે. (૮.ર૧)

એક સાથે ૭૦ થી વધુ ધુરંધર કલાકારો સ્ટેજ ગજવશે

વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આયોજીત રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન  દ્વારા ગોઠવાયેલ 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' કાર્યક્રમમાં એક સાથે ૭૦ થી વધુ કલાકારો અલગ અલગ ઇન્સ્ટમેન્ટ પર પોતાની કલા દર્શાવશે અને ગાયકોને સાથ આપશે. આ કલાકારોએ અનેક ફિલ્મોમાં અનેક નામી કલાકારો જેવા કે લતાજી, આશાજી વગેરે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી સાથ આપ્યો છે. સાથે કોરસમાં પણ લતાજી, આશાજી, બપ્પી લહેરી, રોશનજી વગેરે સાથે કોરસ ગાનાર ગાયિકા પણ તેમનાં કંઠનાં કામણ પાથરશે. આજની રાત્રી રાજકોટીયન્સ માટે ખરેખર સૂરીલી બની રહેશે.

(4:41 pm IST)